પોરબંદરઃ જિલ્લાના જાહેર જગ્યાએ માસ્ક ન પહેરવા બદલ છેલ્લા 4 દિવસમાં રૂપિયા 44,450નો દંડ વસૂલ કરાયો હતો.
જિલ્લા મેજીસ્ટ્રેટ પોરબંદર The EPIDEMIC DISEASES Act, 1897 અને Gujarat Epidemic Diseases COVID-19 Regulations, 2020ની જોગવાઇ હેઠળ માસ્ક પહેરવા સારૂ હુકમ કરાયો છે. પોરબંદર જિલ્લામાં જાહેર સ્થળોએ માસ્ક અથવા રૂમાલ કે લૂઝ કપડાથી મોઢુ ન ઢાકનારા વ્યક્તિઓ પાસેથી છેલ્લા ચાર દિવસમાં રૂપિયા 44,450નો દંડ વસૂલ કરાયો છે.
હાલ સુધીમાં શંકાસ્પદ વ્યક્તિઓનાં લેવામાં આવેલા 773 સેમ્પલ નેગેટિવ આવેલા છે. પોરબંદર જિલ્લામાં ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતા. તેઓ સારવાર દરમિયાન સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા અને તેઓના રિપોર્ટ પણ નેગેટિવ આવતા પોરબંદર જિલ્લામાં હાલ એક પણ કેસ પોઝિટિવ નથી. જિલ્લા ક્વોરન્ટાઇન ખાતે કુલ 665 વ્યક્તિ પૈકી 647 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરેલા છે.
હાલ 18 વ્યક્તિઓ ચકાસણી હેઠળ છે. હોમ ક્વોરન્ટાઇનમાં કુલ 1803 વ્યક્તિઓ ચકાસણી હેઠળ રખાયા છે. જે પૈકી 1186 વ્યક્તિઓનું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ થયેલુ છે. પોરબંદરના જુદા જુદા એન્ટ્રી પોઇન્ટ પર કુલ 40,629 વ્યક્તિઓની સ્ક્રીનીંગ કરાઇ છે. જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે કરવા જુદી જુદી ટીમો કાર્યરત છે. આ ટીમો દ્વારા 6.21 લાખથી વધુ વ્યક્તિઓનો ઘરે ઘરે જઇને સર્વે કર્યો છે.
જ્યારે બીજા રાઉન્ડમાં 5.91 લાખથી વધુ લોકોનો સર્વે કરાયો છે. નોવેલ કોરોના વાઇરસના સંદર્ભમાં સારવાર માટેની ક્ષમતા ધરાવતા આઇસોલેશન વોર્ડ તૈયર રાખવામાં આવેલો છે. હાલમાં સિવિલ હોસ્પિટલ અને મોરારજી ખેરાજ ઠકરાર ઓર્થોપેડીક હોસ્પિટલ પર આઇસોલેશન સ્થળ જાહેર કર્યુ છે.