પોરબંદરઃ સમગ્ર દેશમાં સાતમી આર્થિક ગણતરી પ્રથમવાર ડિજીટલ પ્લેટફોર્મ પર જવા થઇ રહી છે. જે માટે કોમન સર્વીસ સેન્ટર (CSC) મારફત મોબાઇલ એપ દ્રારા જિલ્લાની ભૌગોલીક સરહદમાં આવતા ઘરની પ્રાથમિક માહિતી અને કુટુંબના સભ્યો દ્વારા ઘરમાં, ઘરની બહાર ચોક્કસ માળખા સિવાય ચાલતી આર્થિક પ્રવૃતિઓ જેવી કે, લારી-પાથરણા, રિક્ષા, દુકાન, ઓફિસો, કારખાના, ધાર્મિક સ્થળો, સરકારી ઓફીસો વગેરે ચોક્કસ માહિતી એકત્ર કરવામાં આવશે.
પોરબંદર જિલ્લામા 400થી વધુ ગણતરીદારો અને 100થી વધુ સુપરવાઇઝરો મારફત મોબાઇલ એપ્લીકેશન દ્વારા આ માહિતી એકત્ર કરવાની કામગીરીમા જોડાયા છે. ઉપરાંત નેશનલ સેમ્પલ સર્વે ઓફીસ (NSSO) અને જિલ્લા પંચાયતની આંકડાશાખાના કર્મચારીઓ દ્વારા દ્રિતિય કક્ષાની સ્થળ ચકાસણી કરવામાં આવી રહી છે.
આર્થિક ગણતરી દ્વારા પોરબંદર જિલ્લામાં ચાલતી આર્થિક ગતિ વિધિઓની માહિતી મેળવવાની સાથે તાલુકામાં ચાલતા ધંધા રોજગાર અને તેમાં પ્રાપ્ત થયેલી રોજગારીની વિગતો પણ ઉપલબ્ધ થશે. સાતમી આર્થિક ગણતરીના પ્રારંભે જિલ્લા આંકડા અધિકારી જે. એ. વાઘેલા અને કોમન સર્વીસ સેન્ટર (CSC) જિલ્લા મેનેજર અને સુપરવાઇઝર તેમજ ગણતરીદારો ઉપસ્થિત રહ્યાં હતા.