પોરબંદરઃ 21 જૂનને વિશ્વ યોગ દિન તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો મોટી સંખ્યામાં જોડાઇને યોગ પ્રણાયામ કરે છે. જેમ શરીરને ટકાવી રાખવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે તેમ મન અને શરીરને સંતુલન રાખવા માટે યોગ પ્રણાયામ ખૂબ જ ઉપયોગી છે. અત્યારે ભાગદોડની જીવનશૈલીમાં માણસ પોતાના માટે સમય કાઢી યોગ દ્વારા પૂર્વગ્રહયુક્ત વિચારોથી મુક્તિ તથા ઉચ્ચવિચારો અપનાવી શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહી શકે તે માટે યોગ પ્રાણાયામ ખૂબ જ મહત્વનાં છે.
રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી, નિરોગી જીવન જીવવા માટે યોગથી પરિચિત કરાવવા, યોગ અને યોગ વિદ્યાનો વ્યાપક પ્રચાર-પ્રસાર તથા લોકોને યોગનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરવા સહિતના ઉદેશ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા જન જન અને ઘર ઘર સુધી યોગ પહોચે તે ઉદ્દેશ્ય સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામા આવી છે. આ બોર્ડનાં સંચાલન હેઠળ પોરબંદર જિલ્લામાં 130 યોગ ટ્રેનરો કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઓનલાઇન માર્ગદર્શન હેઠળ તથા કોચનાં સંકલનમાં ઘર બેઠા પ્રભાતે રવિ ઉગતા પહેલા પોતાના પરિજનો સાથે યોગ કરીને આરોગ્ય અને સ્વાસ્થ્યનું જતન કરી રહ્યા છે.
યોગ ટ્રેનર હેતલબેન ટીંબા કહે છે કે, હું દિવસની શરૂઆત યોગથી કરૂ છું. સૂર્ય નમસ્કાર મારા માટે કલ્પવૃક્ષ સમાન છે, તે સંપુર્ણ વ્યાયામ છે, તેનાથી શરીરના દરેક અંગોને પૂરતા પ્રમાણમાં કસરત મળી રહે છે. જેથી હું એક કલાક કસરત કરવા કરતા 10 મીનીટ સૂર્ય નમસ્કાર કરવાનુ પસંદ કરું છુ. યોગથી હું તણાવ મુક્ત રહેવાની સાથે ભાવનાત્મક સંતુલન જાળવી શકુ છુ. અન્ય ટ્રેનર દિપભાઇ સોનીગ્રા, કાજલબેન વાઘેલા કહે છે કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ટ્રેનર તરીકે જોડાયા બાદ 21 દિવસની તાલીમ આપવામાં આવી છે. જન જન અને ઘર ઘર સુધી યોગ પહોંચે તથા લોકોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા, ભાયચારાની ભાવના, શાંતિ અને સુલેહનું વાતાવરણ બને, વ્યસન મુક્તિને પ્રોત્સાહન મળે લોકોનો વિકાસ થાય તે માટે ગુજરાત સરકારે આ બોર્ડની સ્થાપના કરી છે.
ગાંધીભૂમિમાં ઘર ઘર સુધી યોગ પહોંચાડવા સંકલ્પબધ્ધ થયેલા અન્ય યોગ ટ્રેનર સલેટ જીજ્ઞેશભાઇ તથા નારણકા માનસીબેને કહ્યું કે, યોગ અમારા બોડીને ચાર્જ કરીને દરરોજ એક નવી એનર્જીની અનુભૂતિનો અહેસાસ કરાવે છે. પોરબંદરના યોગ કોચ હાર્દિકભાઇ તન્નાએ 21 દિવસની આપેલી અત્યારે અમે યોગ કરીએ છીએ તથા અન્યને પણ યોગ કરાવીએ છીએ.
યોગ કોચ હાર્દિકભાઇ તન્નાએ કહ્યુ કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદર જિલ્લાનાં 130 યોગ ટ્રેનરોને 21 દિવસની તાલીમ આપવામાં આવી છે. જન જન અને ઘર ઘર સુધી યોગ પહોંચે તથા લોકોનું જીવન સુખદ શાંતિમય રહે તે માટેના રાજ્ય સરકારનાં પ્રયાસો છે. અત્યારે લોકડાઉનના કારણે દરરોજ સવારે યોગ બોર્ડ દ્વારા ઓનલાઇન યોગનું માર્ગદર્શન આપવામાં આવે છે. જેથી દરેક ટ્રેનર ઘરબેઠાં યોગ કરી રહ્યા છે. આગામી દિવસોમાં પોરબંદરમાં ઘર ઘર સુધી યોગ પહોંચે તેવા અમારા પ્રયત્નો છે.