પાટણ શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓ પગભર બની આગળ વધે તે માટે સરકાર વિદ્યાર્થીઓને શાળામાં વિવિધ વ્યવસાયલક્ષી કોર્સ અંગે માર્ગદર્શન અને તાલીમ આપે છે. ત્યારે પાટણમાં ભણતી વિદ્યાર્થિનીઓ તેનો સદુપયોગ કરતી જોવા મળી રહી છે. અહીંની સરકારી કે. કે. ગર્લ્સ હાઈસ્કૂલમાં છેલ્લા 5 વર્ષથી બ્યુટી એન્ડ વેલનેસ વિષય અંતર્ગત લેબ શરૂ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 600થી વધુ વિદ્યાર્થિનીઓએ તાલીમ મેળવી છે. આ સાથે તેઓ પોતે પગભર બની પરિવારને આર્થિક રીતે મદદરૂપ પણ બની રહી છે.
આ પણ વાંચો નિરક્ષર છતાં પશુપાલન થકી કરોડોની આવક કરતા આત્મનિર્ભર નવલબેન
વર્ષ 2017માં શરૂ થઈ હતી લેબ સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિમાં અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થિનીઓને કૌશલ્યવર્ધક કોષની તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત પાટણના ભદ્ર વિસ્તારમાં આવેલી સરકારી કે. કે. ગર્લ્સ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 9થી 12ની વિદ્યાર્થિનીઓ આત્મનિર્ભર બની રોજગારી મેળવી શકે તે માટે અહીં વર્ષ 2017માં બ્યૂટી એન્ડ વેલનેસ લેબ શરૂ કરવામાં આવી છે.
પરિવારને કરી રહી છે મદદ અહીં પ્રથમ વર્ષે બ્યૂટી પાર્લરના કોર્સમાં 25 વિદ્યાર્થિનીઓએ પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ દર વર્ષે એડમિશન પ્રમાણે સંખ્યામાં વધારો થયો છે. બીજા વર્ષે 80, ત્રીજા વર્ષે 110, ચોથા વર્ષે 160, પાંચમા વર્ષે 110 અને ચાલુ વર્ષમાં 130 વિદ્યાર્થિનીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ લેબમાં નિષ્ણાત તજજ્ઞો દ્વારા આઇબ્રો, વેક્સ, હેર કટીંગ, હેર સ્ટાઈલ, મેડિક્યોર પેડીક્યોર બ્લિચિંગ, ફેશિયલ, મહેંદી વગેરેની તાલીમ આપવામાં આવે છે. તેમાં મોટા ભાગની વિદ્યાર્થિનીઓ પગભર બની છે અને પોતાના પરિવારને આર્થિક મદદરૂપ બની પોતાનો શિક્ષણનો ખર્ચ પણ ઊઠાવે છે.
આ પણ વાંચો કલાના વારસાથી લોકોને આત્મનિર્ભર કરવાનો શ્રમયજ્ઞ એટલે હેમક્રાફટ, શું છે આ કલા?
વિદ્યાર્થિનીઓ આત્મનિર્ભર બની વિદ્યાર્થિનીઓને બ્યુટી પાર્લરની તાલીમ આપનારાં કોમલબેને જણાવ્યું હતું કે, શાળામાં બ્યૂટી પાર્લરનો કોર્સ શીખીને મોટા ભાગની દીકરીઓ આત્મનિર્ભર બની છે. એક વિદ્યાર્થિની વોકેશનલ વિષયમાં બિલિયા સેકન્ડરી હાઈસ્કૂલમાં ફરજ બજાવે છે. તો 6 જેટલી વિદ્યાર્થિનીઓએ પોતાના બ્યુટી પાર્લરો શરૂ કર્યા છે. આ ઉપરાંત આ કોર્સ શીખી રહેલી અન્ય વિદ્યાર્થિનીઓ શાળાના સમય બાદ પોતાના ઘરે બ્યુટી પાર્લરનું પાર્ટ ટાઈમ કામ કરી રોજગારી મેળવી રહી છે.
કોર્સની લેવાય છે પરીક્ષા ધોરણ 9માં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થિનીઓને અભ્યાસના અન્ય વિષયોની સાથે રોજગારલક્ષી બ્યૂટી પાર્લરનો કોર્સ આપવામાં આવે છે. આ વિષય રાખનારા ધોરણ 9 અને 10ની વિદ્યાર્થિનીઓની પ્રાયોગિક અને લેખિત પરીક્ષા સરકારના નિયમ મુજબ જ લેવામાં આવે છે. તેમ જ માર્કશીટમાં પણ આ વિષયના માર્કનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ જ રીતે ધોરણ 11 અને 12માં પણ સંગીત, બ્યૂટી પાર્લર અને હેલ્થ એન્ડ કેર વિષયમાંથી કોઈ એક વિષય પસંદ કરી વિદ્યાર્થિની શૈક્ષણિક લાયકાતની સાથે વ્યવસાયલક્ષી ક્ષેત્રે પણ નિપુણ બની શકે છે.
વિદ્યાર્થિનીએ પોતાની નાની બહેનને શિખવાડ્યો આ કોર્સ શાળામાં અભ્યાસની સાથે સાથે બ્યૂટી પાર્લરના કોર્સમાં નિપુણ બનેલી વિદ્યાર્થિની સૈયદ માહીરાબાનુએ જણાવ્યું હતું કે, હું શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરવા આવી તે વખતે મારા પિતાની આર્થિક પરિસ્થિતિ સારી નહતી. એટલે અન્ય ભાઈ-બહેનોને ભણાવવાનું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું, પરંતુ મેં બ્યૂટી પાર્લરનો કોર્સ કર્યો છે, જેના થકી હું પગભર બની છું અને આર્થિક રીતે મારા પરિવારને મદદ કરું છું. મારી નાની બહેનને પણ મેં આ કોર્સ શીખવાડ્યો છે જેથી તે ઘરે બ્યુટી પાર્લરનું કામ કરી રોજગારી મેળવે છે.
કોર્સથી વિદ્યાર્થિનીઓને થયો ફાયદો વિદ્યાર્થિનીએ વધુમાં જણાવ્યું હતું કે, લગ્નની સિઝનમાં ઓર્ડરો લઈ કામ કરું છું, જેથી સિઝનમાં 50,000થી વધુની આવક થાય છે. તો આ જ શાળામાં અભ્યાસ કરતી પ્રિયંકા પટણીએ જણાવ્યું હતું કે, આ કોર્સ કરવાથી સારો એવો ફાયદો થયો છે વેકેશન દરમિયાન શાળાના શિક્ષકો દ્વારા અન્ય બ્યુટી પાર્લરોમાં લઈ જઈ ગ્રાહકો સાથે કઈ રીતે કામ કરવું વાતચીતની ઢબ વગેરેની તાલીમ આપવામાં આવે છે.