- છરીની અણીએ ચલાવી હતી લૂંટ
- બે બુકાનીધારીઓ જબરજસ્તી ઘરમાં ઘૂસી આવી ચલાવી હતી લૂંટ
- પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલ્યો
પાટણ: ગુરુવારે રાત્રે સંબંધીની અંતિમક્રિયા પતાવી ઘરે આવી દરવાજો બંધ કરી રહેલા વૃદ્ધને છરી બતાવી ઘરમાં ઘૂસીને મોબાઈલ, રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના બાઇક સહિત કુલ 1.47 લાખની લૂંટ કરનારા બે બુકાનીધારી લૂંટારુઓને પાટણ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. લૂંટનો ભેદ ઉકેલી બંન્ને પાસેથી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પદ્મનાથ ચોકડી પાસેથી લૂંટારૂઓને ઝડપ્યા
પાટણ ચાણસ્મા રોડ ઉપર આવેલી સંસ્કાર સોસાયટીમાં નિવૃત્ત જીવન ગુજારતા અને એકલાં જ રહેતાં સુરેશચંદ્ર ગીરધરલાલ પ્રજાપતિ ગુરુવારે રાત્રે સંબંધીની અંતિમ ક્રિયા પતાવી પરત ઘરે આવ્યા હતા. દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે અચાનક બે બુકાનીધારીઓ ધસી આવ્યા હતા. જેણે છરી બતાવી ઘરમાં ઘૂસી જઈને રૂપિયા 30 હજારની કિંમતનો ફોન, 500 રૂપિયા રોકડા, 96,600ની કિંમતના સોના ચાંદીના દાગીના તથા બહાર પડેલી બાઈકની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: વાપીમાં IIFLમાં કરોડોના સોનાની લૂંટ કરનારા લૂંટારૂં 7 દિવસના રિમાન્ડ પર
પોલીસે લૂંટનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો
આ બનાવની પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની સુચના અને સિદ્ધપુર DYSP સી. એલ. સોલંકીના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસની અલગ-અલગ ટીમો બનાવી PI એસ.આર.ગાવીત, PSI પી.સી. દેસાઈ, એ. એન.ડામોર તપાસમાં જોડાયા હતા અને પાટણ નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે CCTV ફૂટેજ ચેક કરી વૃદ્ધનું બાઈક સાથે પાટણ ચાણસ્મા હાઇવે પર પદ્મનાથ ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહેલા લૂંટારૂઓ ડાકોર સતીષજી પ્રકાશજી અને ઠાકોર સિધ્ધરાજ સિંહ રતનસિંહને ઝડપી લીધા હતા. પાટણ બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટનો તમામ મુદ્દામાલ જપ્ત કરીને લૂંટના આરોપીઓને ઝડપી લીધા હતા.
આ પણ વાંચો: ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાની લૂંટારા અને આંગડિયા પેઢીના પૂર્વ કર્મચારી સહિત 6ને ઝડપી પાડ્યા