- ભારત બંધની અસર પાટણમાં જોવા મળી
- પાટણની મુખ્ય બજારો સવારથી જ રહી બંધ
- શહેરના અંતરિયાળ વિસ્તારોમાં દુકાનો ખુલ્લી રહી
પાટણ: કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલના વિરોધમાં છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. સરકાર સાથેની બેઠકો નિષ્ફળ રહ્યા બાદ વિવિધ સંગઠનો દ્વારા મંગળવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધના એલાનને કોંગ્રેસ સહિતના વિપક્ષોએ સમર્થન આપ્યું હતું. જેને અનુલક્ષીને પાટણ શહેરમાં પણ બંધની અસર જોવા મળી હતી. સવારથી જ શહેરની મુખ્ય બજારો, વિવિધ કોમ્પ્લેક્ષ, હાઇવે પરની હોટલો અને કોમ્પલેક્ષના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સ્વેચ્છિક રીતે બંધને સમર્થન આપ્યું હતું. બંધ દરમિયાન જનજીવન રાબેતા મુજબ રહ્યું હતું.
પાટણ માર્કેટયાર્ડ ખુલ્લું રહ્યું પણ ખેડૂતો ન આવ્યા
પાટણ APMC માર્કેટયાર્ડ ચાલુ રખાયું હતું પરંતુ ખેડૂતો પોતાનો માલ વેચવા આવ્યા નહતા. માટે રોજ ખેડૂતો અને વિવિધ ખેત પેદાશોથી ધમધમતું પાટણ માર્કેટયાર્ડ સુમસામ જણાયું હતું. જેને લઈને વેપારીઓએ પોતાની પેઢીઓ બંધ કરવાની ફરજ પડી હતી.