રણ કાંધીએ આવેલો પાટણ જિલ્લો સૂકો ગણાય છે. ક્યારેક વધુ વરસાદ તો ક્યારેક ઓછો વરસાદ જોવા મળે છે. આ કારણોસર પૂર, દુષ્કાળ અને કુદરતી આફતોનો સામનો જગતનો તાત કરતો હોય છે. ત્યારે પાટણ જિલ્લામાં હવે ખેડૂતો ડ્રિપ ઇરીગેશન પદ્ધતિ અપનાવી રહયા છે અને સારી આવક મેળવી રહ્યાં છે. પાટણના પાર્થ પટેલ જેઓ દિવ્યાંગ છે, તેમણે બીએસી એગ્રીની ડીગ્રી લીધી છે. પોતાના 1 હેક્ટર ખેતરમાં ડ્રિપ અને સ્પ્રીંકલર પદ્ધતિ અપનાવી છે.
ટપક સિંચાઈ પદ્ધતિને લઈ તેને ખેતીમાં રાહત થઈ છે. મજૂરો તેમજ નિંદામણ પાછળ સમય અને પૈસા ખર્ચવા પડતા નથી. પ્રથમ પાક જામફળનો લઈ આ યુવકે સારી એવી આવક મેળવી છે.
પાટણ જિલ્લામાં લગભગ 2 લાખ હેક્ટરમાં ખેડૂતોએ ટપક પદ્ધતિ અપનાવી છે અને જિલ્લામાં ખેડૂતો હવે વૈજ્ઞાનિક પદ્ધતિ તરફ વળ્યા છે. હાલ મોટાભાગના ખેડૂતો ટપક પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યાં છે.
પાટણ જિલ્લામાં છેલ્લા 5 વર્ષની ખેતીની વાત કરીએ તો જગતના તાતે કુદરતી અને કુત્રિમ આફતોનો સામનો કર્યો છે. હાલમાં ખાતર, મજૂરી, પોષણક્ષમ ભાવ સહિત વિવિધ સમસ્યાઓનો સામનો ખેડૂત કરી રહ્યો છે. ત્યારે પાટણના યુવા કૃષિના ઋષિએ કુદરત સામે પડકાર ફેંકીને ખેતી કરી રહ્યો છે.