પાટણઃ જિલ્લામાં કોરોના વાઈરસના 14 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે, જેને લઇ લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે ગુરુવારના રોજ સાંજે સવારે શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડતા સિદ્ધિ સરોવરમાં માનસિક રીતે અસ્વસ્થ વિનોદભાઈ નામના વ્યક્તિનો મૃતદેહ પાણીમાં ફરતો દેખાતા અને તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર શહેરમાં અનેક જાતની અફવાઓ વહેતી થઈ હતી. શહેરીજનોમાં ભારે ઉચાટ હતો.
અફવાઓને પગલે નગરપાલિકા દ્વારા તાકિદેના ભાગરૂપે પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, તો કેટલાક શહેરીજનોએ પોતાના ઘરમાં ભરેલું પાણી પણ ઢોળી નાખ્યું હતું. દરમિયાન સવારે નગરપાલિકાના પ્રમુખ અને આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમ સિદ્ધિ સરોવરની મુલાકાતે દોડી આવ્યા હતા અને સરોવરના પાણીમાં રહેલ બેક્ટેરિયાને જીવાણુઓને દૂર કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી ટી.સી.એચ પાવડરની 25 જેટલી થેલીઓનો જથ્થો સાદા પાણીમાં ભેળવી આશરે 800 લીટર મિશ્રણવાળું પાણી તૈયાર કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સુજલામ સુફલામ કેનાલ મારફતે સિદ્ધિ સરોવરમાં ઠાલવાતા નર્મદાના પાણીમાં આ મિશ્રણ વાળુ પાણી ઠાલવી શુદ્ધિકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બપોર બાદ નગર પાલિકાએ પૂર્વવત રીતે પાણી પુરવઠાનું વિતરણ શરૂ કર્યું હતું.