પાટણ: કોરોના મહામારીને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન 3.0 અમલી કરવામાં આવ્યુ છે. જેને લઇને દેશના વિવિધ રાજ્યોમાં ગયેલા લોકો ફસાયા હતા. આવી જ રીતે વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા.
ફિલિપાઈન્સમાં મેડિકલ ક્ષેત્રના અભ્યાસ અર્થે ગયેલા ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને પરત લાવવા પાટણના જાગૃત ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલે મોહિમ ઉપાડી સરકારને રજૂઆત કરી હતી. ત્યારબાદ લોકડાઉન 3.0માં સરકાર દ્વારા વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની જાહેરાત કરવામા આવી હતી. જેને પગલે મોટી સંખ્યામાં વિદેશમાંથી ભારતીયો પોતાના વતનમાં આવી રહ્યા છે.
ફિલિપાઈન્સમાં મેડિકલના અભ્યાસ અર્થે ગયેલા ઉત્તર ગુજરાતના 11 વિદ્યાર્થીઓએ વતન આવવાની મંજૂરી માંગી હતી. જેને લઇને સરકાર તેમને વિમાન મારફતે અમદાવાદ લાવી હતી. અમદાવાદામાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ તેમના આરોગ્યની તપાસ કરી હતી. ત્યારબાદ આ તમામ વિદ્યાર્થીઓને સરકારી બસ મારફતે જિલ્લા મથક પાટણ ખાતે લાવવામાં આવ્યા છે અને આ તમામ વિદ્યાર્થીઓને સરદાર પટેલ રમત-ગમત સંકુલ ખાતે 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
પાટણ લવાયેલા વિદ્યાર્થીઓનું વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં સ્ક્રીનિંગ કરી તેમની હિસ્ટ્રિની માહિતી મેળવવામાં આવી હતી. આ અગિયાર વિદ્યાર્થીઓમાં બનાસકાંઠાના 6, મહેસાણાના 3, સાબરકાંઠા અને કચ્છના 1-1 સામેલ છે.