પાટણઃ શ્રમિકોને રોજગારી આપવા કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ લોકડાઉન-4માં પૂરતી તકેદારી સાથે મનરેગા યોજના હેઠળ વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. ઉનાળાની ઋતુમાં ખુલ્લામાં કામ કરી રહેલા આ શ્રમિકોના સ્વાસ્થ્યની દરકાર કરતાં આરોગ્ય વિભાગ દ્વારા તેમના હેલ્થ સ્ક્રિનિંગ સાથે પ્રાથમિક ઉપચાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે.
રાજ્યભરમાં લોકડાઉન 4મા નાના વેપારીઓ, વ્યવસાયકારો અને શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે જરૂરી તકેદારી અને છૂટછાટ સાથે ધંધા-રોજગાર માટે મંજૂરી આપવામાં આવી છે. જે અન્વયે જિલ્લામાં વિવિધ સ્થળોએ વિકાસ કાર્યો આગળ ધપાવવા મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રોજગારી આપવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગ દ્વારા શ્રમિકોના સ્વાસ્થ્યની દરકાર કરી પ્રોએક્ટીવ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના વિવિધ સ્થળોએ કામ કરી રહેલા શ્રમિકોનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત પાટણ તાલુકાના વડલી ખાતે ધારણો જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસર, મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર તથા આશા વર્કરની ટીમ દ્વારા મનરેગા હેઠળ કામ કરી રહેલા શ્રમિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ શ્રમિકોને થયેલી નાની-મોટી ઈજાઓની સારવાર પણ કરવામાં આવી રહી છે. સાથે સાથે દરેક શ્રમિકને હેન્ડ સેનેટાઈઝરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
જિલ્લામાં મનરેગા યોજના હેઠળ 22 હજાર જેટલા શ્રમિકો કામ કરી રહ્યાં છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે શ્રમિકોના આરોગ્યની પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. સાથે સાથે શ્રમિકોને ફેસ માસ્ક પહેરવા, વારંવાર સાબુથી હાથ ધોવા તથા સામાજિક અંતર જાળવવા સમજ પણ આપવામાં આવી રહી છે. કોરોના વાઇરસ મહામારીને નાથવા રાત-દિવસ કામ કરી રહેલા આરોગ્ય વિભાગ દ્વારા શ્રમિકોની પણ દરકાર કરી ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે.