- પાટણમા શૈક્ષણિક સંકુલોમા વિધાર્થીઓની ચહલપહલ થઈ શરૂ
- શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને આવકાર્યા
- પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળાએ પહોંચ્યા
- 50 ટકાથી વધુ વિધાર્થીઓએ વર્ગ ખંડમા કર્યો અભ્યાસ
પાટણ : જિલ્લા શિક્ષણ અધિકારીએ સરકારની સુચના મુજબ ધોરણ-10 અને 12ના વર્ગખંડો શરૂ કરવાની દરેક શાળાઓને સૂચનાઓ આપી હતી. જેને પગલે સરકારની ગાઇડલાઇન મુજબ સોમવારથી પાટણ જિલ્લામાં ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ થયા છે. જિલ્લામાં ધોરણ 10ના 22188 અને 10460 ધોરણ 12ના મળી કુલ 32648 વિદ્યાર્થીઓ પૈકી 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ સાથે સોમવારથી શૈક્ષણિક કાર્ય શરૂ થતાં વિદ્યાર્થીઓના કલરવથી શાળાઓ ગુંજતી થઈ છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કેવા પ્રકારની તકેદારી રાખવામાં આવે છે તે માટે ઇટીવી ભારતની ટીમે પાટણની એક્સપરિમેન્ટલ હાઇસ્કુલમાં જઇ તપાસ કરી હતી. જેમાં શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને સ્કેનિંગ કરી સેનેટાઇઝ કરાવી, માસ્ક આપી પ્રવેશ આપ્યો હતો અને વર્ગખંડમાં પણ ઝેડ આકારની બેઠક વ્યવસ્થા પ્રમાણે વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો.
શાળામાં આવતા વિધાર્થીઓ થયા ખુશ, વિદ્યાર્થીઓ બનશે તણાવ મુક્ત
કોરોના મહામારીને લઇ બોર્ડની પરીક્ષાના મામલે અસમંજસ સાથે તણાવ અનુભવી રહેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે શાળાઓ શરૂ થતા માનસિક તણાવ ઓછો થશે અને શાળામાં જઈ શિક્ષકો સાથે રૂબરૂ વાર્તાલાપ કરી માર્ગદર્શન મેળવી શકાશે. કોરોના દરમિયાન યુટ્યુબ અને ઓનલાઈનના માધ્યમથી અભ્યાસ કર્યો છે. પરંતુ બોર્ડની પરીક્ષાને લઈ સતત તણાવમાં રહેતા હતા તે હવે દુર થશે.