પાટણ: રાધનપુર સાંતલપુર પંથકમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે રાધનપુરમાં 8 થી વધુ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. સાંતલપુર તાલુકાના અબિયાણા ગામ પાસે છેલ્લા છ વર્ષથી મંથરગતિએ ચાલી રહેલ બ્રિજની કામગીરી પૂર્ણ નહીં થતા નદીનું પાણી કોઝવે પરથી વહેતા આસપાસના 10 જેટલા ગામો પ્રભાવિત બન્યા છે. રોજિંદી અવરજવર માટે રસ્તો બંધ થતા ગામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
"બનાસ નદીમાં નર્મદા નહેર મારફતે છોડવામાં આવેલું પાણી તેમજ પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ થયો છે. જેમાં ખાસ કરીને રાધનપુરમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના કારણે વરસાદી પાણી બનાસ નદીમાં વહેતું થયું છે. પેદાસપુરા ગોતરકા પાસે બ્રિજની કામગીરી ચાલી રહી છે.ત કોઝવે પરથી પાણી વહેતું થતાં આઠ જેટલા ગામોને જોડતો રસ્તો બંધ થયો છે."-- નિર્ભય ગોંડલીયા (રાધનપુર પ્રાંત અધિકારી)
બ્રિજની કામગીરી 6 વર્ષથી: સાંતલપુર તાલુકાના 10 થી વધુ ગામના લોકોને તાલુકા મથક વારાહી આવવા માટે અબિયાણા નજીકથી પસાર થતી બનાસ નદી પાર કરીને અવરજવર કરવાની ફરજ પડે છે. ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વહે ત્યારે દસ ગામના લોકોને તાલુકા મથકે આવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. કેટલીક વખત તો ચોમાસા દરમિયાન દિવસો સુધી નદી પારના ગામો સંપર્ક વિહોણા બની જતા હતા. જેને લઈને સરકાર દ્વારા અબિયાણા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી ઉપર નવીન પુલ બનાવવા માટે રૂપિયા 22 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. નવીન પુલ બનાવવાની કામગીરી 2018 માં શરૂ કરવામાં આવી હતી. પરંતુ છ વર્ષ બાદ પણ બનાસ નદી પર પુલ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ નથી.
દર ચોમાસામાં આવી પરિસ્થિતિ: ભારે વરસાદને કારણે બનાસ નદીમાં પાણી વહેતું થતા નદી પાર આવેલા અમરાપુર, પેદાસપુરા, ગડસઈ, અગીચાણા, બિસ્મીલાબાદ, જોરાવરગંજ, પાટી, વાદળીથર સહિતના ગામોમાં વસવાટ કરતા લોકોને વારાહી આવવું મુશ્કેલ બન્યું છે. નદી પરના ગામ લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી કરવા વારાહી આવે છે. પરંતુ નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થતા વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે . જેને લઇને આ 10 ગામના લોકો માટે કપરી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતુ.