પાટણ: શંખેશ્વર ખાતે હેવાન બનેલા યુવાને મહોલ્લામાં જ રહેતી 11 વર્ષીય મંદબુદ્ધિ બાળકીને છાપરામાં લઈને બળાત્કાર કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે નરાદમ સામે લોકોમાં ફિટકારની લાગણી જન્મી છે. પોલીસે આરોપી યુવાનને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ કસ્ટડીમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
બાળકી પર બગાડી નજર: શંખેશ્વર ખાતે રહેતો અને દસાડા પાટડી તાલુકાના મૂળ રોઝવાનો વતની ભરત ઠાકોરે મહોલ્લામાં જ રમતી 11 વર્ષની મંદબુધ્ધિની બાળકી ઉપર નજર બગાડી હતી અને બાળકીને લલચાવી ફોસલાવી તે રહેતો હતો ત્યાં બનાવેલ છાપરામાં લઇ ગયો હતો . જયાં તેણીની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી રહ્યો હતો. જે દૃશ્ય ત્યાંથી પસાર થતાં એક વ્યકિતએ નિહાળતા અને છાપરામાં જતા નરાધમ બાળકીને મુકી નાસી છુટ્યો હતો.
આરોપીની ધરપકડ: બનાવની જાણ પરિવારજનોને થતા દોડી આવ્યા હતા અને આરોપી ભરતભાઇ ખોડાભાઇ ઠાકોર વિરુધ્ધ શંખેશ્વર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ઇ.પી.કો.કલમ 376 તથા પોકસો એકટ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ નરાધમ આરોપી ભરત ઠાકોરને ઝડપી લીધો હતો.
બાળકીને સારવાર અપાઈ: આ બાબતે શંખેશ્વર પીઆઇ ડીડી ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ભોગ બનનાર બાળકીને પ્રથમ શંખેશ્વર ખાતે સી.એચ.સી.માં પ્રાથમિક સારવાર આપી ધારપુર સિવિલ હોસ્પિટલમાં મેડીકલ પરીક્ષણ માટે ખસેડવામાં આવી હતી. ત્યાંથી પરત પરિવારજનો સાથે ઘરે મોકલવામાં આવી હતી. પોલીસે એફએસએલની મદદથી સ્થળ ઉપર જઈ પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે.