પાટણઃ રાજ્યમાં છેલ્લા બે મહિનાથી કોરોનાની મહામારીને લઈ લોકો ભારે મુશ્કેલી અને મૂંઝવણમાં મુકાયા છે. ધંધાઓ અને ઉદ્યોગો બંધ હોવાથી ગરીબ અને મધ્યમવર્ગના લોકો ભારે આર્થિક ખેંચ અનુભવી રહ્યા છે. હાલ રાજ્યમાં કોરોનાને સંક્રમિત થતો અટકાવવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વપરાતી દવાઓ અને મેડિકલ સાધનો જેવા કે પી.પી.ઈ.કીટ, માસ્ક, ગ્લોઝ, ટેમ્પરેચર ગન, વગેરે ઉપર હાલ 12% જી.એસ.ટી લેવામાં આવે છે, તે રદ કરવામાં આવે તો લોકોને ફાયદો થઇ શકે તેમ છે.
આ બધી વસ્તુઓ ઉપર ડી.પી.સી.ઓ. એટલે કે, ડ્રગ પ્રાઈઝ કંટ્રોલ ઓર્ડર નક્કી કરવામાં આવેલ નથી. જેને કારણે ઘણીવાર વ્યાપારીઓ લોકો પાસેથી મનફાવે તેવા પૈસા લેતા હોય છે. ડી.પી.ઇ.ઓ નક્કી કરવામાં આવે તો લોકોને ફાયદો થાય તેમ છે.
હાલમાં આંતરરાષ્ટ્રીય લેવલનો ફુડનો ભાવ સાવતળીયે પહોંચી ગયો છે, છતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ડિઝલ અને પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. ગુજરાતમાં પણ ડિઝલ અને પેટ્રોલ પરનો જીએસટી ઘટાડવામાં આવે તો આવી પરિસ્થિતિમાં ગુજરાતના ગરીબ અને મધ્યમ લોકોને, ખેડૂતો અને વેપારીઓને ફાયદો થઇ શકે તેમ છે.