પાટણ : અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 34 કરોડના ખર્ચે પાટણ રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓ સાથે રાણીની વાવની થીમ પર નવીન રેલ્વે સ્ટેશન બનાવવાનું કામ મંજૂર થયું છે. જે અંતર્ગત રેલવેના અધિકારીઓ દ્વારા રેલ્વે સ્ટેશનના નવીનીકરણ માટે માપણી અને માર્કિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે અને માપણી બાદ તેના પ્લાન અને ડિઝાઇન બનાવી આગળની કામગીરી શરૂ કરાશે.
નવીન રેલવે સ્ટેશન માટે કવાયત શરૂ : પાટણની વર્ષો જૂની મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં ફેરવી તેને પાટણથી કાંસા ભીલડી થઈ રાજસ્થાન અને દિલ્હી સાથે જોડતા હાલ રોજની 20 ટ્રેનો આ ટ્રેક ઉપરથી પસાર થઈ રહી છે જેથી મુસાફરોને પણ રેલવેની સારી સુવિધા મળતી થઈ છે. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના 508 રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે માસ અગાઉ વર્ચ્યુઅલી શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ 508 રેલવે સ્ટેશનોની યાદીમાં પાટણ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પાટણ રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે 34 કરોડ મંજૂર કરાયા છે. રાણીની વાવ થીમ ઉપર આધુનિક સુવિધા સાથેનું નવીન રેલવે સ્ટેશન તૈયાર થશે.
જુના ક્વાર્ટર્સ જમીનદોસ્ત : પાટણ રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ થયો છે. અત્રેના સ્ટેશનના જુના બાંધકામના માળખા તોડવામાં આવી રહ્યા છે. સ્ટેશનના આગળના ભાગના જુના ક્વાર્ટર્સ અત્યારે જમીન દોસ્ત કરી દેવાયા છે. હાલની ટિકિટ બારી અને મુસાફરોના પ્રતીક્ષાલયનો ભાગ પણ ટૂંક સમયમાં તોડવામાં આવશે. નજીકમાં હંગામી ટિકિટ બારી બનાવવામાં આવી છે તેમાં સમગ્ર બુકિંગ ઓફિસ ખસેડયા પછી આ જૂનું માળખું ધ્વસ્ત કરાશે.
આગળના ખુલ્લા પ્લોટથી પ્લેટફોર્મ સુધી ખૂંટ માર્યા : રેલ્વે સ્ટેશનની કામગીરી હાથમાં લેનાર ઇજનેર ટુકડીએ સ્ટેશનના સૂચિત સ્થાનો ઉપર બાંધકામનો નકશો તૈયાર કરવા માટે માપણી અને માર્કિંગની કામગીરી શરૂ કરી છે. અને ચારથી પાંચ જગ્યાએ ખૂંટ મારીને દોરી બાંધીને મેજર ટેપથી માપણી કરી તેની નોંધ કરવામાં આવી રહી છે. નવીન રેલવે સ્ટેશનમાં વેટિંગ રૂમ,પ્લેટફોર્મ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે તમામ પ્રકારની આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ઉપરાંત લાઇટિંગ, પાર્કિંગ વિકલાંગોને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ હોય એ રીતનું સ્ટેશન બનશે. રેલવે સૂત્ર તરફથી મળતી માહિતી મુજબ પાટણ રેલવે સ્ટેશનની માપણી થયા બાદ તેના પ્લાન અને ડિઝાઇન તૈયાર કરી આગળની કામગીરી શરૂ કરાશે.