પાટણ : પાટણનાં વર્ષો જુના રેલ્વે સ્ટેશનને તોડી પાડવાનું કામ જેસીબી મશીન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. રેલવેના સુપરવાઇઝરો એન્જિનિયરોની હાજરીમાં આ જૂન વર્ષો જુના ટિકિટ બારી આગળના નળિયાવાળા સિમેન્ટના પતરાનો ભાગ આજે તોડી પાડવામાં આવ્યો હતો. અમૃત ભારત સ્ટેશન યોજનામાં પાટણના વર્ષો જુના રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે. પાટણમાં નવું આધુનિક સુવિધા યુક્ત હેરિટેજ રેલવે સ્ટેશન બનાવવા રેલવે વિભાગ દ્વારા 34 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી રેલ્વે સ્ટેશનની જગ્યાની માપણી ચાલી રહી હતી. ત્યારે આજરોજ બપોરથી વર્ષો જુના રેલ્વે સ્ટેશનને તોડી પાડવાનું કામ શરુ થયું છે. હાલમાં વૈકલ્પિક ધોરણે ટિકિટ બારી બનાવવામાં આવી છે.
વીજ જોડાણ હાલ કાપી નાખવામાં આવ્યા : સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ તબક્કાવાર આ જૂની ઈમારતોને તોડી પાડવામાં આવશે ત્યારબાદ નવા રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. જુના શેડવાળા રેલવે સ્ટેશનના વીજ જોડાણ હાલ કાપી નાખવામાં આવ્યા છે. નવું રેલવે સ્ટેશન ક્યાં સુધી બનશે તે અંગેના ખૂંટ મારી દેવામાં આવ્યા છે. પેસેન્જરને એડવાન્સ બુકિંગ તેમજ રેગ્યુલર ટિકિટ માટે હાલ વૈકલ્પિક ધોરણે નવી ટિકિટ બારી ઉભી કરવામાં આવી છે તેમ જ મુસાફરોને પ્લેટફોર્મ સુધી પહોંચવા નવીન પગથિયાં પણ બનાવવામાં આવ્યા છે.
હેરિટેજ લુકનું રેલ્વે સ્ટેશન બનશે : નવા રેલ્વે સ્ટેશનમાં પાટણની ઐતિહાસિક વિરાસતની યાદ તાજી કરાવતા રાણીની વાવ, હેમચંદ્રાચાર્યજી, રાજા સિધ્ધરાજ જયસિંહના તૈલ ચિત્રો પણ મૂકવામાં આવનાર છે. નવા રેલવે સ્ટેશનમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. રેલવે સ્ટેશન હેરિટેજ પ્રકારનું બનાવવામાં આવશે. હાલમાં પાટણના વર્ષો જુના રેલવે સ્ટેશનને જમીન દોસ્ત કરવાનું કામ હાથ ધરાતા લોકો પણ આ કામગીરી નિહાળવા ઉમટી પડ્યા હતા.