પાટણઃ નગર પાલિકાની સામાન્ય ચૂંટણી 28 ફેબ્રુઆરી 2021ના રોજ યોજાઈ હતી. 11 વોર્ડની 44 બેઠકો માટેની ચૂંટણી થયા બાદ પરિણામો જાહેર થતાં. ભાજપે 38 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. પ્રથમ અઢી વર્ષ માટે મહિલા સામાન્ય વર્ગમાંથી પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી હતી. નગર પાલિકામાં પ્રથમ અઢી વર્ષની પ્રમુખ, ઉપ પ્રમુખની ટર્મ પૂરી થતાં બીજા અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિ વર્ગમાંથી પ્રમુખ અને સામાન્ય વર્ગમાંથી ઉપપ્રમુખની વરણી કરવા માટે સોમવારે નગરપાલિકા હોલ ખાતે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીએ પ્રમુખ અને ઉપ પ્રમુખ માટેના મેન્ડેટ ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યા હતા.
વિધિવત રીતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈઃ જેમાં સત્તાધારી ભાજપ પક્ષના મહેશભાઈ પટેલે પ્રમુખ તરીકે હિરલબેન પરમારના નામની દરખાસ્ત કરી હતી અને કપિલાબેન સ્વામીએ ટેકો જાહેર કર્યો હતો. ચૂંટણી અધિકારીએ ઉપપ્રમુખ તરીકે હીનાબેન શાહને વિજેતા જાહેર કરતા તેઓના શુભેચ્છકો અને સમર્થકોમાં આનંદ છવાયો હતો.
ખુલ્લી જીપમાં હોદ્દેદારોનું વિજય સરઘસઃ ભાજપના આગેવાનો કાર્યકરોએ નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન, પક્ષના નેતા તથા દંડકની ખુલ્લી જીપમાં નગરપાલિકા ખાતેથી શોભાયાત્રા નીકળી હતી. જેમાં તમામે નગરજનોનું અભિવાદન ઝીલ્યું હતું.
વિપક્ષે સત્તાધારી પક્ષના ઉમેદવારનું ફોર્મ રજૂ કરતા હોબાળોઃ આ ચૂંટણીમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા નગર પાલિકાના નિયમોનો સહારો લઈ નાટ્યાત્મક રીતે ભાજપના જ કોર્પોરેટર બીપીન પરમારના નામનું પ્રમુખ પદ માટે ફોર્મ ભરી, દરખાસ્ત કરી ટેકો આપતા સભાગૃહમાં થોડીવાર માટે ઉત્તેજના સાથે હોબાળો મચ્યો હતો. ભાજપના આગેવાનો સહિત કોર્પોરેટરો આવાચક બન્યા હતા. જોકે બીપીન પરમારે પોતે ઉમેદવારી કરી નથી અને પોતે પક્ષને વફાદાર હોવાનું ગૃહ સમક્ષ જાહેર કર્યું હતું.
પદાધિકારીઓની વરણીઃ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયા બાદ પાર્ટી દ્વારા પદાધિકારીઓની પણ વરણી કરવામાં આવી હતી. જેમાં કારોબારી ચેરમેન તરીકે મુકેશભાઈ જેઠાભાઇ પટેલ, પક્ષના દંડક તરીકે મનોજભાઈ નાગરદાસ પટેલ અને પક્ષના નેતા તરીકે દશરથજી ઠાકોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નગર પાલિકાના નવ નિયુક્ત મહિલા પ્રમુખ હિરલબેન પરમારે પક્ષને વફાદાર રહી તમામ સભ્યોને સાથે રાખી નગરજનો તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી નગરનો સર્વાંગી વિકાસ કરવા કટીબદ્ધ રહેવાની સૂચના આપી હતી.
પક્ષ દ્વારા મારા ઉપર વિશ્વાસ મૂકીને મહત્વની જવાબદારી આપવામાં આવી છે તે જવાબદારી હું ઈમાનદારી પૂર્વક નિભાવીશ. શહેરમાં રોડ, પાણી અને સ્વચ્છતાની કામગીરી સાચા અર્થમાં કરીને નગરનો સર્વાંગી વિકાસ કરવા હંમેશા તત્પર રહીશ...મુકેશ પટેલ(કારોબારી ચેરમેન, પાટણ નગર પાલિકા)
પુરુષ ઉમેદવારોના મોં વિલાયાઃ અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ નગરપાલિકાના પ્રથમ અઢી વર્ષના શાસનમાં પ્રમુખ તરીકે મહિલાઓને સુકાન સોંપવામાં આવ્યું હતું. જ્યારે આજે બીજા ટર્મના અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિની મહિલાને જ પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. પાટણ નગર પાલિકાના ભાજપના ચૂંટાયેલા 38 સભ્યોમાંથી બે મહિલા અને બે પુરુષ મળી કુલ ચાર સભ્યો અનુસૂચિત જાતિના હતા. ચૂંટણી માટે બે પુરુષ ઉમેદવારો શિક્ષિત અને અનુભવી હોવા છતાં પક્ષ દ્વારા ફરી એકવાર મહિલા સભ્યના નામનું મેન્ડેટ આવતા પ્રમુખ પદ માટેના દાવેદાર ગણાતા પુરુષ ઉમેદવારોના મુખ વીલાઈ ગયા હતા.