- છેલ્લા દસ વર્ષથી ભારતમાં પોલિયોનો એક પણ કેસ નહિ
- પોલિયોની જેમ જિલ્લામાંથી કુપોષણ નાબૂદ કરવા જિલ્લા કલેકટરે કર્યો અનુરોધ
- 1.80 લાખ બાળકોને રસી આપવા માટે આરોગ્ય વિભાગે કરી માઈક્રો પ્લાનિંગ
પાટણ : પોલિયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત તા.31 જાન્યુઆરીના રોજ નેશનલ ઈમ્યુનાઈઝેશન ડેની ઉજવણી અંતર્ગત પોલિયો રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. પાટણ શહેરના કાળકા રોડ પર આવેલા આંગણવાડી કેન્દ્ર ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.એ.આર્ય દ્વારા ભુલકાઓને રસી પીવડાવવામાં આવી.
ગતવર્ષે 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું હતુ
જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, છેલ્લા દસ વર્ષથી ભારતમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ પાડોશી દેશો સહિત દુનિયાના અન્ય દેશોમાં જ્યાં સુધી પોલિયો નાબૂદ ન થાય ત્યાં સુધી આપણે પ્રતિવર્ષ પોલિયો રસીકરણ અભિયાન હેઠળ નાના બાળકોને પોલિયોની રસી પીવડાવવી જોઈએ. પોલીયો નાબૂદીની જેમ જિલ્લામાંથી કુપોષણ નાબૂદ થાય તે માટેના પ્રયત્નો કરવા જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો હતો.અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એ.એસ.સાલ્વીએ જણાવ્યું કે, જિલ્લાના વિવિધ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિયો અને અંતરિયાળ વિસ્તારોના તમામ બાળકોનું ગતવર્ષે 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ તે મુજબનું માઈક્રો પ્લાનિંગ કરી એક પણ બાળક રસીથી વંચિત ન રહી જાય તેની આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કાળજી લેવામાં આવી રહી છે.
897 બુથ પર બાળકોને પોલિયો રસી અપાઈ
જિલ્લામાં 897 બૂથ પર રસીકરણ ઉપરાંત તા.01 અને 02 ફેબ્રુઆરીના રોજ આરોગ્યકર્મીઓ દ્વારા ડોર ટુ ડોર જઈ જિલ્લાના જન્મથી પાંચ વર્ષ સુધીના 1,80,742 બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે. ઉપરાંત 59 ટ્રાન્ઝીટ પોઈન્ટ અને 208 જગ્યાઓએ મોબાઈલ ટીમ દ્વારા પોલિયો રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે. ગત વર્ષે 100 ટકા પોલિયો રસીકરણ બદલ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એ.એસ.સાલ્વી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ગૌરાંગ પરમારને સ્વૈચ્છીક સંસ્થા દ્વારા જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યું. સાથે જ સંસ્થા દ્વારા રસી લેનાર બાળકોને સોફ્ટ ટૉય્ઝ તથા સ્વેટરનું વિતરણ પણ કરવામાં આવ્યું.