● જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખે આપ્યું રાજીનામું
● ભાજપમાં મુદ્દાઓને લઇ ઊભા થયા વિવાદો
● નાના સમાજને પ્રતિનિધિત્વ નહીં આપતા અપાયું રાજીનામું
પાટણ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ અને ભાજપના અગ્રણી એવા મોદી ગિરીશ ભાઈએ ભાજપના સંગઠનમાં નાના સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવતું નથી અને પૈસાદાર વ્યક્તિઓને હોદ્દાઓની લ્હાણી કરી સાચવવામાં આવે છે તેવા આક્ષેપો સાથે વીડિયો વાઇરલ કરી પક્ષના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેતા જિલ્લા ભાજપમાં ખળભળાટ મચ્યો છે.
હોદ્દાઓની નિમણુંકમાં નાના સમાજનો લેવામાં આવે છે ભોગ એવા લગાવ્યા આક્ષેપો
સરસ્વતી તાલુકાના ઘટાસા ગામના વતની અને 15 વર્ષથી ભાજપના અદના કાર્યકરથી લઇ વિવિધ હોદ્દાઓ ઉપર રહી પક્ષને મજબુત કરનારા મોદી ગીરીશ ભાઈ સોમાભાઈ પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરને આપેલા રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, ગત્ત તારીખ 14/12/ 2020 ના રોજ સરસ્વતી તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રીની નિમણુંક કરવામાં આવી છે. જેમાં નાના સમાજને પ્રતિનિધિત્વ નહીં આપી બાદબાકી કરવામાં આવી છે. હોદ્દાઓની નિમણુંકો વખતે નાના સમાજનો જ ભોગ લેવાય છે, વ્યક્તિકરણનું ભાજપમાંથી શુદ્ધિકરણ નહીં થાય તો આવનારા સમયમાં અનેક કાર્યકરો રાજીનામા આપી ભાજપમાંથી છેડો ફાડી નાખશે.
રાજીનામાનો મુદ્દો બન્યો ચર્ચાસ્પદ
રાજીનામા પત્ર સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ નામે વીડિયો વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપમાં વાઇરલ કરી પક્ષના આગેવાનો સામે જ આક્ષેપો કરતા આજે (શુક્રવાર) પાટણ જિલ્લાના રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.