પાટણઃ પાટણની ખનીજ વિભાગની સરકારી ગાડીમાંથી જીપીએસ ટ્રેકર મળી આવ્યું છે. આ અગાઉ બનાસકાંઠા, પંચમહાલ જિલ્લાઓમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી. જેના પરથી કહી શકાય કે રાજ્યમાં રેતી તેમજ ખનીજ ખનન કરનારા 'ખનન માફિયા' બેફામ બનતા જાય છે.
કઈ રીતે ટ્રેકર પકડાયું?: પાટણ ખનીજ અધિકારીઓ સરકારી ગાડી લઈને ચેકિંગમાં નીકળ્યા હતા. તે સમયે ગાડીમાં ડ્રાઈવરને પાછલા વ્હીલમાં વાઈબ્રેશન અનુભવાયું. ગાડીને સર્વિસ સેન્ટર લઈ જવાઈ જ્યાં તેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગાડીના ચેકિંગ દરમિયાન નાનું કાળા કલરનું જીપીએસ ટ્રેકર અધિકારીઓને હાથ લાગ્યું હતું. અધિકારીઓએ ઉપરી અધિકારીને જાણ કરતા જ ઉપરી અધિકારીએ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સખ્શ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
'ખનન માફિયા' બેફામઃ પાટણ જિલ્લામાં અનેક તાલુકાઓમાં બનાસ અને સરસ્વતિ નદીના પટમાં બેફામ રેતી ખનન થઈ રહ્યું છે. હારીજ, સમી, ચાણસ્મા અને પાટણમાં તો રેતી ભરેલા ડમ્પર અને ટર્બોનો રીત સરનો ત્રાસ છે. ખનન માફિયાઓ વધુ ફેરાની લાલચમાં ડમ્પર અને ટર્બોને બેફાર રીતે હંકારી શકે તેવા ડ્રાયવર્સને નોકરીએ રાખે છે. આ ટ્રક્સ પહેલેથી જ ઓવરલોડ હોય છે અને અવારનવાર અકસ્માતો સર્જે છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ ટ્ર્કસને રોકી ન શકે અને અધિકારીઓનું એક્ઝેટ લોકેશન જાણી શકાય તે હેતુથી આ જીપીએસ ટ્રેકર લગાડવામાં આવ્યુ હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
અમારી સરકારી ગાડી ચેકિંગમાં હતી ત્યારે ડ્રાઈવરને પાછલા વ્હીલમાં વાયબ્રેશન ફિલ થયું હતું. ગાડીને સર્વિસ સેન્ટરમાં લઈ જતા આ જીપીએસ ટ્રેકર મળી આવ્યું હતું. અમે આ મામલે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે...એ બી પ્રેમલાણી(ખાણ ખનીજ અધિકારી, પાટણ)
ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ચેકિંગમાં સફળ ન થાય અને બેફામ રીતે ખનન કરી શકાય-રોયલ્ટીની ચોરી કરી શકાય તે માટે આ સરકારી ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાડવામાં આવ્યું છે. આ ટ્રેકર પર સીરિયલ નંબર છે અને ટ્રેકરમાં એક સિમકાર્ડ મળી આવ્યું છે. અમે આ આધારે તપાસ શરુ કરી છે...કે કે પંડયા(ડીવાયએસપી,પાટણ)