પાટણ:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન ખાતે મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પાટણ નગરપાલિકાના સંકલનથી વેપારી મહામંડળના હોદ્દેદારો અને કરીયાણાનો છુટક વેપાર કરતાં વેપારીઓની બેઠક અને તાલીમ યોજવામાં આવી હતી.
પાટણ શહેરમાં લોકડાઉનના વધુ સઘન અમલીકરણની સાથે નાગરીકોને ઘરે બેઠા જ આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે vegTAP મોબાઈલ ઍપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.
મહાનગરોની જેમ પાટણ શહેરમાં પણ તેના મહત્તમ ઉપયોગથી કોરોના વાઇરસના સંક્રમણનું જોખમ ઘટાડી શકાશે.ખાનગી કંપની દ્વારા ડેવલપ કરવામાં આવેલી vegTAP મોબાઈલ ઍપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન, ઍપ્લિકેશનમાં માલસામનની વિગત તથા ભાવ સહિતની માહિતી અપલોડ કરવાની રહેશે.
વેપારી તરીકે કઈ રીતે તેનો ઉપયોગ કરવો જેવી વિગતોની કંપનીના પ્રતિનિધિ દ્વારા પ્રેક્ટીકલ જાણકારી આપવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગના સ્વયંભુ પાલન સાથે યોજાયેલી તાલીમ દરમિયાન જ ઍપ્લિકેશનને લગતા વેપારીઓના વિવિધ પ્રશ્નોનું કંપનીના પ્રતિનિધિ દ્વારા નિરાકરણ આપવામાં આવ્યું હતું.