- નવા બસ સ્ટેન્ડ માં વરસાદી પાણી ભરાઇ રહેતા મુસાફરોને હાલાકી
- દર વર્ષે ચોમાસામાં સર્જાય છે આ સમસ્યા
- હંગામી બસ સ્ટેન્ડ બન્યું નર્કાગાર
- એસ.ટી. વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા ન કરાતા મુસાફરોમાં રોષ
પાટણ: શહેરમાં નવા અદ્યતન એસ.ટી. બસપોર્ટ નિર્માણ કરવાની કામગીરી છેલ્લા ચાર વર્ષથી મંથરગતિએ ચાલી રહી છે અને કયારે પૂર્ણ થશે તે કહેવું હાલના તબક્કે અશક્ય છે. જેને લઇ હાલ નવજીવન ચાર રસ્તા નજીક હાઈવે પર હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવ્યું છે.
વૃધ્ધ તેમજ મહિલા પ્રવાસીઓની હાલત દયાજનક
હંગામી બસસ્ટેન્ડ ખાડામાં બનાવવામાં આવ્યું હોવાથી દર ચોમાસામાં સામાન્ય વરસાદ પડતાં જ સમગ્ર બસસ્ટેન્ડ બેટમાં ફેરવાઇ જાય છે અને પ્રવાસીઓને ગોઠણસમા પાણીમાં પસાર થઇ બસમાં ચડ-ઉતર કરવી પડે છે. જેના કારણે ઉંમરલાયક અને અશકત એવા વૃધ્ધ તેમજ મહિલા પ્રવાસીઓની હાલત દયાજનક બને છે . હાલમાં વરસાદી પાણીની સાથે ભૂગર્ભ ગટરના પાણી પણ ભળી થતાં સમગ્ર બસસ્ટેન્ડની હાલત નર્કાગાર જેવી બની છે. ડ્રાઇવર કંડકટરોના રેસ્ટરુમના શૌચાલયોની પાઇપલાઇનો ચોક થતા ગંદકીનો પણ નિકાલ થતો નથી. જેને લઇ રાત્રિ રોકાણ કરતા બસના ડ્રાઇવર - કંડકટરો પણ આ અસહ્ય બદબુથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. હાલમાં સમગ્ર બસસ્ટેન્ડમાં બેથી ત્રણ ફુટ પાણી ભરાયેલા છે છતાં એસ.ટી.ના સત્તાધીશો કે વહીવટીતંત્ર દ્વારા આ પાણી ઉલેચવા કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી નથી.
- ધારાસભ્ય કીરીટ પટેલે બસ સ્ટેન્ડ લીધી મુલાકાત
- ધારાસભ્યએ વાહન વ્યવહાર મંત્રીને ટેલિફોનિક રજુઆત કરી
આ પણ વાંચો- Patan Rain Update: સિદ્ધપુરમાં પાંચ ઇંચ વરસાદ પડતાં રસુલ તળાવ બેટમાં ફેરવાયું
બે દિવસમાં નિરાકરણ નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવાની આપી ચીમકી
મુસાફરોને ભોગવવી પડતી તકલીફોને વાચા આપવા પાટણના જાગૃત અને લોકોના પ્રશ્નો ઉકેલવા સતત કાર્યરત રહેતાં ધારાસભ્ય ડો.કિરીટ પટેલે રુબરુ મુલાકાત લીધી હતી અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુને ટેલીફોનીક રજુઆત કરી હતી . જયારે એસ.ટી.ના ઉચ્ચ અધિકારીઓને ટેલીફોન કરતાં તેઓ દ્વારા ફોન ઉપાડવામાં આવ્યા ન હતા . વાયબ્રન્ટ ગુજરાતની વાતો કરતી ભાજપ સરકારના અધિકારીઓ જો ધારાસભ્ય જેવાના ફોન રીસીવ કરતા ન હોય તો સામાન્ય પ્રજાનો અવાજ તો કોણ સાંભળશે . જો આગામી બે દિવસમાં પાણી ઉલેચવાની કામગીરી શરુ નહીં કરાય તો જિલ્લા કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી.