- કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય તંત્ર બન્યું સતર્ક
- 11 વોર્ડમાં સર્વેલન્સની 45 ટીમ કાર્યરત
- 5 ધન્વંતરી રથ ફરતા કર્યા
- ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવશે
- હોમ આઇશોલેશન કરાયેલા દર્દીઓનું 14 દિવસ સુધી સતત નિરીક્ષણ
પાટણ : શહેરમાં કોરોના સંક્રમણ બેકાબૂ ન બને તે માટે આરોગ્ય વિભાગ દ્વારા 45 સર્વેલન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે. આ ટીમમાં આશા વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, મેડિકલ ઓફિસર, સુપરવાઇઝર અને લાઇઝન અધિકારી નિમણૂક કરવામાં આવી છે. જે શહેરના 11 વોર્ડમાં ઘરે ઘરે ફરી શંકાસ્પદ કેસ શોધશે. આ ઉપરાંત ધનવંતરી રથો પણ ફરતા કરવામાં આવ્યા છે. આરોગ્યની આ ટીમો દ્વારા શંકાસ્પદ દર્દી જણાય તો સ્થળ પર જ ટેસ્ટ કરવામાં આવશે અને રિપોર્ટ પોઝિટિવ આવે તો દર્દીની સ્થિતિ પ્રમાણે સારવાર આપવામાં આવશે. ઘરે આઇશોલેટ કરાયેલા દર્દીઓનું આ ટીમ દ્વારા 14 દિવસ સુધી સતત નિરીક્ષણ કરવામાં આવશે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગ કેમ્પનું પણ આયોજન કરાશે.
- વહીવટી તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવા અંગે કરવામાં આવી રહ્યા છે જાગૃત
- અત્યાર સુધીમાં 25 હજારથી વધુ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાયા
- કોરોના સંક્રમણને ધ્યાને લઇ હાલમાં ટેસ્ટ સેમ્પલ લેવાની કામગીરી વધુ તેજ કરાઈ
છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં વહીવટી તંત્ર નગરપાલિકા દ્વારા માસ્કની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દસ જેટલા CHO દ્વારા કોમર્શિયલ એરિયામાં માસ્ક વિતરણ કરી, માસ્ક પહેરવા જનજાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે. પાટણ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 30/9/2020થી કોરોના સંક્રમણ અટકાવવા રેપિડ એન્ટીજન ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 25 હજારથી વધુ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે કોરોના એ ફરી માથું ઉચકતાં ટેસ્ટ સેમ્પલ લેવાની કામગીરી વધુ તેજ કરવામાં આવી છે.