● પાટણ નગરપાલિકામાં અઢી વર્ષની સમયમર્યાદા પૂર્ણ થઈ
● વિવિધ સંસ્થાઓ દ્વારા નગરપાલિકા પ્રમુખનું કરવામાં આવ્યું સન્માન
● અઢી વર્ષના શાસનમાં 55 કરોડ થી વધુના વિકાસ કામો કરતા સન્માન કરાયું
● વર્ષોથી અટવાયેલા ચાર મહત્વના વિકાસલક્ષી કામોને કર્યા પૂર્ણ
મહેન્દ્ર પટેલનું પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી સન્માન
ભગવાનના દરવાજા તેમજ હાઇવે ઉપરની કરોડો રૂપિયાની બે જગ્યાઓ પ્રમુખની સૂઝબૂઝથી નગરપાલિકા હસ્તક કરવામાં આવી છે ત્યારે નગરપાલિકામાં અઢી વર્ષની સમય મર્યાદા પૂર્ણ થતા પ્રમુખની કામગીરીને બિરદાવવા શહેરની 15થી વધુ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સંસ્થાના આગેવાનોએ પ્રમુખ મહેન્દ્ર પટેલનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું આ પ્રસંગે પ્રમુખે જણાવ્યું હતું કે અઢી વર્ષના સમયગાળામાં ઘણા ચડાવ-ઉતાર વચ્ચે શહેરમાં 55 કરોડથી વધુના વિકાસ કામો કર્યા છે.છેલ્લા ઘણા વર્ષોથી અટવાયેલા ટીપી2 સહિતના ચાર વિકાસલક્ષી કામો મારા સમયમાં પૂર્ણ થયા છે તેનો મને આનંદ છે.
પાટણ નગર પાલિકાનો વહીવટ શનિવારથી ચીફ ઓફિસર સંભાળશે ત્યારે આ બાબતે ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ જણાવ્યું હતું કે નગરપાલિકામાં નવી બોડીની રચના ન થાય ત્યાં સુધી ચીફ ઓફિસરે કેરટેકર તરીકે સામાન્ય વહીવટ કરવાનો છે. આ સમયગાળામાં કોઈ નીતિ વિષયક નિર્ણયો લઇ શકાશે નહીં. પાટણમાં સ્વચ્છતા ટ્રાફિક રખડતા ઢોર જેવી સમસ્યાઓના નિકાલ માટે પાલિકા તંત્રને સહકાર આપવા નગરજનોને અપીલ કરી હતી.