પાટણ: સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં કોવિડ-19નો એક પોઝિટિવ કેસ નોંધાયો હોવાથી સ્વાસ્થ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ ગામને ક્વોરેન્ટાઇન ઝોન તરીકે જાહેર કરાયો હતો અને ગામની સગર્ભા મહિલાનો કોવિડ-19નો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
કેસ પોઝિટિવ આવતા સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા ગામમાં સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં આ મહિલાને ધારપુર મેડિકલ કોલેજના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે. પાટણ જિલ્લાના સિધ્ધપુર શહેરના નેદ્રા ગામે 12 , તાવડિયા ગામે 1, ઉમરૂ ખાતે 1 કેસ કોવિડ-19ના પોઝિટિવ નોંધાયા છે.
સરસ્વતી તાલુકામાંથી ભીલવણ ગામે 2 અને દેલીયાથરા ગામે 2 કેસ કોવિડ-19ના પોઝિટિવ નોંધાયા છે. ચાણસ્મા શહેરના કોટવાડીયાપરા વિસ્તારના 1 સહિત જિલ્લામાં કોવિડ-19ના કુલ 21 કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં નોંધાયેલા કુલ 21 કેસ પૈકી કુલ 7 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 1 દર્દીનું સરવાર દરમિયાન મૃત્યુ થયું છે. જ્યારે 13 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે.
આરોગ્ય વિભાગના પેરા મેડિકલ અને નોન પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા ટેકો પ્લસ એપ્લિકેશન આધારિત હાઉસ ટુ હાઉસ સર્વેમાં 1 મેના રોજ 52,878 ઘરની મુલાકાત લઇ કુલ 2,51,181 લોકોને આવરી લેવામાં આવ્યાં છે. જે પૈકી ખાંસી અને તાવની તકલીફ ધરાવતા 296 લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.