પાટણઃ શહેરમાં કોરોના મહામારીના કારણે મહોરમ પર્વની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી હતી. શનિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં કતલની રાતે ઈમામગાહોમાં તાજીયા બેસાડવામાં આવ્યા હતા. રવિવારે અસુરાના દિવસે મન્નતો અદા થયા બાદ શાંતિપૂર્ણ રીતે તાજીયા ઠંડા કરવામાં આવ્યા હતા.
કરબલાના રણમાં માનવતાના મૂલ્યોની રક્ષા અને સત્ય ખાતર પોતાના કુટુંબ કબીલા સહિત 72 સાથીઓની સાથે શહાદત વહોરનારા ઈસ્લામના પયગંબર અને હજરત મૌલાના અલીના પુત્ર શહીદે ઇમામ હુસૈન અને કરબલાના શહીદોની યાદમાં મનાવાતા મહોરમ પર્વ નિમિત્તે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે તાજીયા મુકવામાં આવ્યા હતા.
આ વર્ષે મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના મહામારીને લઇ જુલૂસ મોકૂફ રાખી સાદગીપૂર્ણ રીતે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.