પાટણ: જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા રોટરી ક્લબના સહયોગથી પાટણમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શિક્ષકોએે રક્તદાન કર્યું હતું.
સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિને કારણે લોકોના આરોગ્ય ઉપર માઠી અસર થઇ છે. ખાસ કરીને બ્લડ બેન્કોમાં પણ આ કપરા સમયમાં બ્લડની ઘટ જોવા મળી રહી છે. ત્યારે સંકટ સમયમાં જરૂરિયાતમંદ દર્દીઓને સમગ્ર રાજ્યમાં સરળતાથી બ્લડ મળી રહે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું હતું.
![પાટણમાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9148014_patan.jpg)
પાટણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પાટણ શહેરની શાંતિ નિકેતન સ્કૂલ ખાતે રોટરી ક્લબના સહયોગથી રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા માટે હોંશભેર આવ્યા હતા. રક્તદાન કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં 326 યુનિટ બ્લડ એકત્ર થયું હતું.
આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર શિક્ષકોને રોટરી ક્લબ દ્વારા મેલેરીયા, HCV, Hiv, બ્લડ સુગર, cbc,Heb સહિતના દસ જેટલા રિપોર્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા.
પાટણ ઉપરાંત ચાણસ્મા,સિધ્ધપુર,સમી અને રાધનપુરમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં કુલ 708 યૂનિટ રક્ત એકત્ર થયું હતું.