પાટણ: ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતુ હોય છે. જે અંતર્ગત સિદ્ધપુરની ગોવર્ધન પાર્ક સોસાયટી ખાતે માતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય કાર્યક્રમમાં ગાયક કલાકાર પ્રહર વોરા અને દ્વિતીય દિવસે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ઓસમાણ મીરે સિદ્ધપુરની જનતાનું દિલ જીતી લીધુ હતું.
યુવાઓને ભારતીય સંસ્કૃતિથી માહિતગાર: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાટણના સંયુક્ત ઉપક્રમે સિદ્ધપુરમાં 'માતૃ વંદના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પાછળનો મુખ્ય હેતું આજના યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને લોકકલાઓથી માહિતગાર કરવાનો છે.
ઓસમાણ મીરે રેલાવ્યા સુર: રાજ્યના કેબિનેટ પ્રધાન બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં આયોજીત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિદ્ધપુરની જાહેર જનતા જોડાઇ હતી. ઓસમાણ મીરને સાંભળીને જનતા નાચી ઉઠી હતી. ઓસમાણ મીરની સાથે પાટણનાં લોક સાહિત્યકાર ચતુરદાન ગઢવીએ લોક સાહિત્યની વાતનો લોકો સમક્ષ રજુ કરી હતી. ગુજરાતના લોક ગાયક ઓસમાન મીરે જણાવ્યું હતું કે મા માટે જેટલું કહીએ તેટલું ઓછું છે. મા માટે થઈને સિદ્ધપુરની પાવનભૂમિ ઉપર રાજ્ય સરકાર દ્વારા માતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે.
આ પણ વાંચો: Ahmedabad Birthday: હેપ્પી બર્થડે અમદાવાદ...જાણો પ્રથમ હેરિટેજ સિટી વિશે
પર્યટન વિકસે એ માટે સરકાર કટિબદ્ધ: માતૃ વંદના કાર્યક્રમમાં સિદ્ધપુરની જનતાને સંબોધિત કરતા કેબિનેટ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દેવી દેવતાઓની આ પવિત્ર ભૂમિ તેમજ માતૃશ્રાધ્ધનું આસ્થા સ્થળ એવા સિધ્ધપુરમાં જન્મ લેવો એ આપણાં સૌ માટે ગૌરવની બાબત છે. આજ રોજ માતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પહેલાં પાટણની શાન એવી રાણકી વાવમાં પણ આ પ્રકારના સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ સરકાર દ્વારા રાજયના પર્યટન ક્ષેત્રને વધુને વધુ વેગ મળે તે માટે સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે નવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો: Chaitra Navratri 2023 : ચૈત્ર નવરાત્રિમાં આ ઉપાય અપાવશો તો થશે વિશેષ લાભ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ
'માતૃ વંદના' કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, સિદ્ધપુર નગર પાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ,જિલ્લા રમત-ગમત અધિકારી નરેશ ચૌધરી, DRDA નિયામક આર.કે.મકવાણા તેમજ અધિકારીઓ અને મોટી સંખ્યામાં સિદ્ધપુરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા