પાટણ: પાટણ સહિત સમગ્ર પંથકમાં રંગેચંગે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી . વહેલી સવારથી પતંગ રસિકો ધાબે ચડી ગયાં હતા અને પતંગો ઉડાડવાની સાથે એકબીજાના પતંગો કાપી આનંદ માણ્યો હતો. બીજી તરફ ઉંધિયા જલેબી સહિતની ટેસ્ટી વાનગીઓનો સ્વાદ માણીને આ પર્વને હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો . તો કેટલીક જગ્યાએ લોકોએ ગાયોને ઘાસચારો નાખી દાન પુણ્ય પણ કર્યું હતું.
ઉત્તરાયણનો ઉમંગ: ઉત્તરાયણ પર્વે પાટણ શહેરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયુ હતું . ઠંડી ઓછી હોવાને કારણે પતંગ રસિકો સવારથીજ ધાબા પર ચડી ગયાં હતાં . સવારથી જ પવનનો વેગ મળતા એ..કાપ્યો... લપેટની બુમોથી ધાબાઓ ગુંજી ઉઠ્યા હતા. આનંદ ઉત્સવના પર્વ એવા ઉત્તરાયણને મનાવવા નાના બાળકોથી લઈને મોટેરો ધાબાઓ પર જોવા મળ્યા હતા. ડી.જે.સાઉન્ડ સિસ્ટમ વગાડીને ઉતરાયણની ઉજવણી કરી હતી. શહેરના મોટાભાગના વિસ્તારોમાં છત અને ધાબાઓ ઉપર રામલલાના ગીતો સાઉન્ડ સિસ્ટમ ઉપર વગાડવામાં આવ્યા હતા આમ રામલલાની ધૂન સાથે લોકોએ ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી
દાન-પૂણ્યની પરંપરા: ઉત્તરાયણ પર્વમા ઊંધિયું અને જલેબી ખાવાનો અનેરો મહિમા હોવાથી શહેરની વિવિધ ફરસાણની દુકાનો પર સવારથી જ ઊંધિયું જલેબી લેવા માટે લાંબી કતારો લાગી હતી અને લોકોએ ખરીદી કરી ધાબા પર ઊંધીયા જલેબીની લિજ્જત માણી હતી . તો બીજીતરફ આ પર્વમા દાન પુણ્યનું પણ એટલું મહત્વ છે. લોકોએ ગાયોને ઘાસ-નિરણનું દાન પુણ્ય કર્યું હતું. તો કેટલાક લોકોએ અને સેવાભાવી સંસ્થાઓએ ઠેર-ઠેર ગાયો માટે દાનની રકમ ઉઘરાવી ફાળો એકત્ર કર્યો હતો.