પાટણઃ શહેરમાં શુક્રવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ બે દર્દીઓમાં છબીલા હનુમાન રોડ પર આવેલ રાજ ટેનામેન્ટમાં રહેતા 36 વર્ષિય યુવાનને કફ સાથે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા ગુરૂવારે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવતા કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યારે મીરાં દરવાજા વિસ્તારમાં રહેતા 37 વર્ષીય પટણી યુવાનને કફ થતાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જેના ટેસ્ટ સેમ્પલ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતા.
આ સાથે પાટણ શહેરમાં કોરોના પોઝિટિવની સંખ્યા 18 અને જિલ્લામાં 77 થયા છે. આ બંને કેસ જાહેર થતાં આરોગ્ય તંત્ર આ બંને વિસ્તારોમાં દોડી ગયું હતું અને સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરી સિલ કર્યું હતું અને સર્વેની કામગીરી હાથ ધરી હતી.
પાટણની જનતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના ગ્રસ્ત સમી તાલુકાના નાની ચંદુર ગામના 2 પુરુષો, શંખેશ્વરના પાડલા ગામનો 1 પુરૂષ તથા શંખેશ્વરનો 1 પુરૂષ મળી 4 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.