પાટણઃ રાજ્ય સરકાર દ્વારા વર્ગ 1થી 4ના તમામ અધિકારીઓને તારીખ 1 /1/2016થી સાતમાં પગાર પંચનો લાભ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ ટેકનિકલ શિક્ષણ આપતી સરકારી પોલીટેકનિક કોલેજના વર્ગ-1 અને વર્ગ-2ના કર્મચારીઓને સરકાર દ્વારા સાતમાં પગાર પંચનો લાભ આપવામાં આવ્યો નથી.
અધ્યાપક મંડળ દ્વારા આ મામલે અનેક વાર સરકારમાં રજૂઆતો પણ કરવામાં આવી હતી. છતાં સરકાર દ્વારા હજુ સુધી સાતમા પગાર પંચનો લાભ આપવા માટે કોઈ નિર્ણય લેવામાં ન આવતા અધ્યાપક મંડળ દ્વારા સમગ્ર રાજ્યની પોલિટેકનિક કોલેજોમાં કાળા વસ્ત્રો પહેરી વિરોધ પ્રદર્શિત કરવાની સૂચના આપતા પાટણ કે.ડી. પોલીટેકનિક કોલેજના વર્ગ-1 અને વર્ગ-2ના અધ્યાપકોએ કાળા વસ્ત્રો ધારણ કરી કોલેજ કેમ્પસમાં સૂત્રો પોકારી દેખાવો કર્યા હતા.
વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર કોઇ અસર ન પડે તે માટે તમામ અધ્યાપકોએ વિરોધની સાથે સાથે શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રાખ્યું હતું અને અધ્યાપકો દ્વારા એક અઠવાડિયા સુધી આ પ્રકારે વિરોધ કરવામાં આવશે.