ધ્રોલ મુકામે આવેલ ભૂચર મોરી શહિદ સ્મારક ખાતે આગામી ૨૩મી ઓગસ્ટના રોજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા શહિદોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક ખાસ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં 2000થી વધુ રાજપૂતાણીઓ દ્વારા તલવાર રાસ રજુ કરી વિશ્વ રેકોર્ડ બનાવવામાં માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ વિશ્વ રેકોર્ડમાં ભાગ લેનાર રાજપૂત સમાજની દીકરીઓ અને મહિલાઓને છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના વિવિધ વિભાગોમાં તલવાર રાસની તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ પાટણ , મહેસાણા અને બનાસકાંઠા જિલ્લા દ્વારા ત્રણ જિલ્લાઓમાંથી વધુમાં વધુ રાજપૂત સમાજની દીકરીઓ ૨૩મી ઓગસ્ટના રોજ બનવા જઇ રહેલા વિશ્વરેકોર્ડમાં ભાગ લઇ શકે તે માટે તેમને તલવાર રાસની તાલીમ આપવા માટે હારીજ તાલુકાના કુકરાણા ગામની પ્રાથમિક શાળા ખાતે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ કુકરાણા ગામ ખાતે યોજાયેલ તલવાર બાજી તાલીમ શિબિરમાં કોરિયોગ્રાફર જે. સી. જાડેજા અને પ્રદેશ મહામંત્રી જયદેવસિંહ ગોહિલ દ્વારા રાજપૂત સમાજની દિકરી બા ઓને તલવાર બાજી તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું . આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહી દીકરી બા ઓને પ્રોત્સાહિત કરી હતી.