- મકાનો ખાલી કરાવવાની અદાવતમાં ઘટનાને અંજામ આપ્યાનો સ્થાનિકોનો આક્ષેપ
- અકસ્માતમાં એક યુવતી અને એક વૃદ્ધ થયું મોત
- પાટણમાં હિટ એન્ડ રનની ઘટના બની
પાટણ : પાટણના અનાવાડા રોડ ઉપર અન્નપૂર્ણા સોસાયટીના આગળના ભાગે વર્ષોથી એકજ સમાજના શ્રમજીવી અને ગરીબ પરિવારના 18 જેટલા કુટુંબો છાપરા જેવાં મકાનો બનાવી વસવાટ કરે છે. ત્યારે આ મકાનો ખાલી કરી અન્ય સ્થળે જતા રહેવા તેમજ મકાનો આગળ વાહનો મૂકવા બાબતે મકાન માલિકો તેમજ વેદ રાવલ નામના શખ્સ સાથે અગાઉ માથાકૂટો અને ઝઘડા થયા હતા. ગુરૂવારે સવારના સમયે વેદ રાવલ, એક અજાણ્યો શખ્સ અને રીતેશ રાવલ GJ 12 K 9453 નંબરની ખુલ્લી શિકારી જીપ લઈને અન્નપૂર્ણા સોસાયટીમાંથી નીકળ્યા હતા. મકાનની બહાર ખાટલામાં બેઠેલા બલોચ દિલાવર ખાન અને અન્ય મકાનની બહાર કપડાં ધોઈ રહેલી સૈયદ સાહિસ્તા નામની યુવતીને ટક્કર મારતાં બંને જના શિકારી જીપના નીચે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. જીપમાં આવેલા આ ત્રણેય શખ્સો જીપ મૂકી સ્થાનિક લોકોને ધમકીઓ આપી ફરાર થઈ ગયા હતા.
સારવાર દરમિયાન બનેના મોત
અકસ્માતનો ભોગ બનેલ બંને ઈજાગ્રસ્તોને ખાનગી વાહનમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં આધેડનું મોત નિપજ્યું હતું. તો યુવતીને વધુ સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં એ ડિવિઝન ના PI અરુણ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને પંચનામું કરી ગાડી ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી હતી. વેદ રાવલ, અજાણ્યા શખ્સ અને રીતેશ રાવલ સામે ફરિયાદ નોંધાવતાં એ-ડિવીઝન PI પરમારે IPC કલમ 302, 294 (ખ), 506 (2) મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : અનિલ સ્ટાર્ચ કંપનીના નામે કરોડોની ઠગાઇ કરનાર કંપનીના માલિકને જેસલમેરથી પકડી પાડ્યો
આ પણ વાંચો : ગાંધીનગરની ફાઈવ સ્ટાર લીલા હોટેલના રિસેપ્સનિસ્ટનું મર્ડર, પોલીસે ગુન્હો દાખલ કર્યો