પાટણઃ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસું જોરદાર જામ્યું છે, ત્યારે ગુરુવારે ભાદરવા મહિનાના પહેલા જ દિવસે સાંજના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને જોતજોતામાં જ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
મેઘાનું આ રૌદ્ર સ્વરૂપ જોઇ શહેરના નીચાણવાળા અને આનંદ સરોવર આજુબાજુની સોસાયટીમાં રહેતા સ્થાનિક લોકોના જીવ અધ્ધર થયા હતા, જો કે, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ ખમૈયા કર્યા હતા.
ધોધમાર વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. શહેરના બુકડી, કાલીબજાર, રાજકાવાડા અને સોનીવાડા સહિતના વિસ્તારોમાં બે થી ત્રણ ફૂટ પાણી વહેતા થયા હતા અને નદીનું વહેણ જતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
પાટણ શહેર ઉપરાંત સરસ્વતીમાં 20 MM, હારિજમાં 11 MM અને સાંતલપુરમાં 2 MM વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાના શંખેશ્વર, ચાણસ્મા, રાધનપુર અને સમી તાલુકાઓ કોરા રહ્યા હતા.