પાટણ: શહેરમાં ગુજકેટની પરીક્ષા માટે 13 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા. જેમાં પરીક્ષા આપવા માટે જિલ્લાના વિવિધ ગામો અને નગરના વિદ્યાર્થીઓ સવારના સમયે પાટણ આવ્યા હતા, પરંતુ આ સમયે ધોધમાર વરસાદ શરૂ હોવાથી વિદ્યાર્થીઓ અટવાયા હતા. 13 પરીક્ષા કેન્દ્રો પૈકી બી.એમ. હાઇસ્કુલ પરીક્ષા કેન્દ્રની આગળ બંને બાજુ એક કિલોમીટર સુધી વરસાદી પાણી ભરાઇ જતાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાયા હતા, પરંતુ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે અને સમયસર પરીક્ષા આપી શકે તે માટે ટ્રેક્ટરોની વ્યવસ્થા કરી હતી અને વિદ્યાર્થીઓને તેમાં બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
પાટણની બી.એમ. હાઇસ્કુલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે આનંદ સરોવર પાસે બે ટ્રેકટર અને ગાંધીજીની પ્રતિમા પાસે બે ટ્રેકટર મળી કુલ ચાર ટ્રેક્ટરોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
- પાટણમાં ગુજકેટની પરીક્ષા યોજાઇ
- પરીક્ષા કેન્દ્ર આગળ પાણી ભરાયા
- વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં પરીક્ષા કેન્દ્ર પર લઇ જવાયા
કોરોના મહામારીના કારણે પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓનું સ્કેનિંગ કરી સેનેટાઈઝ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ સેશનમાં કેમેસ્ટ્રી વિષયમાં કુલ 2426 વિદ્યાર્થીઓમાંથી 2107 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 317 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. પાટણ જિલ્લા શિક્ષણ વિભાગ અને બી. એમ હાઈસ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવા માટે કરવામાં આવેલી વ્યવસ્થાની વાલીઓ દ્વારા સરાહના કરવામાં આવી હતી.
પાટણ શહેરમાં શિક્ષણ વિભાગે પ્રશંસનીય કામગીરી કરી હતી. વરસતા વરસાદ અને ઘૂંટણ ડૂબ ભરાયેલા પાણીમાં પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કહેર વચ્ચે 1.27 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી, કેમેસ્ટ્રી-ફિઝિક્સનું પેપર લેવામાં આવ્યું હતું.