પાટણઃ મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીજીના આદર્શોને જીવન પર્યત મૂર્તિમંત કરનારા પૂર્વ ધારાસભ્ય અને જીલીયા આશ્રમના સ્થાપક માલજીભાઈ દેસાઈએ ગાંધીજીના સંસ્મરણો વાગોળી આજના યુવાનોને વ્યસન મુક્ત બની દેશદાઝ સાથે ગાંધીજીના વિચારોનું અનુકરણ કરવાનો સંદેશો આપ્યો છે.
ગાંધીજીના વિચારોથી પ્રભાવિત બની સેવા દળમાં જોડાઇ 85 વર્ષની ઉંમરે પહોંચેલા માલજીભાઈ દેસાઈએ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે Etv Bharat ભારત સાથે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 55 વર્ષથી ગાંધીજીના વિચારો જીવનમાં ઉતારી તેનું અનુકરણ કરી રહ્યા છે અને ગાંધીજીના નાતજાત કે ધર્મના વાડાઓથી પર રહેવાના વિચારો પર અડગ રહી લોકસેવાના કાર્યોને પ્રાધાન્ય આપી આગળ વધી રહ્યા છે.
જાહેર જીવનમાં પણ આજ નીતિને વળગી તેઓ આગળ વધી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં યુવાનોમાં વ્યસનનું પ્રમાણ વધ્યું છે. જે ખરેખર દેશ માટે નુકસાનકારક છે. ગાંધીજી વ્યસનોના સખત વિરોધી હતા, ત્યારે યુવાનો વ્યસનથી દૂર રહી અને દેશ સેવા, સમાજ સેવામાં પોતાનું યોગદાન આપે તેઓ સંદેશો આપ્યો હતો.