● છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકો માટે ગ્રાહક મંડળો અને ગ્રાહક તકરાર નિવારણ ફોરમ કાર્યરત છે
● આવા મંડળોએ ઉત્પાદકો અને વેપારીઓ પાસેથી કેટલાય ગ્રાહકોને અપાયું છે વળતર
● નવા કાયદા મુજબ રૂપિયા એક કરોડ સુધીનું વળતર જિલ્લા કક્ષાએથી જ ગ્રાહકો મેળવી શકશે
પાટણ: છેતરાતા ગ્રાહકો માટે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ વળતર મળી રહે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક તકરાર નિવારણ ફોરમ કાર્યરત છે. જિલ્લામાં વિવિધ કંપનીઓ અને વેપારીઓ દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકોએ આ મંડળો અને ફોરમમાં જઈને ન્યાય સાથે વળતર મેળવ્યા છે. છેલ્લા સવા વર્ષમાં આવા અનેક કેસોના સમાધાનથી તો કેટલાક કિસ્સાઓમાં ફોરમમાં કેસ લડીને ગ્રાહકોને ન્યાય મળ્યો છે.
જિલ્લા કક્ષાએ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ કાર્યરત
વિવિધ કંપનીઓ અને જે તે દુકાનદારો દ્વારા છેતરપિંડીનો ભોગ બનતા ગ્રાહકો માટે સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષા કાયદો અમલમાં છે. છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકોને ન્યાય સાથે વળતર મળી રહે તે માટે તેમજ તેને અનુલક્ષીને વિવિધ કાયદાઓનું કડકપણે અમલ થાય તે માટે વિવિધ ગ્રાહક મંડળો તેમજ દરેક જિલ્લા કક્ષાએ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ કાર્યરત છે. જેમાં પ્રમુખ સહિત 3 સભ્યોનું પંચ કામ કરે છે.
આ પણ વાંચો: ગ્રાહક તકરાર નિવારણ ફોરમે મોરબીના ગ્રાહકને 9.35 લાખ ચુકવવા આદેશ કર્યો
છેતરામણીનો ભોગ બનેલા ગ્રાહકો ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં જઇ મદદ માગી શકે છે
ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ પેકેજ કોમોડિટી, MRP કરતાં વધુ ભાવ લેવો, કંપનીઓ દ્વારા વિવિધ વાહનો અને વસ્તુઓની ખરીદી બાદ નિયત સમયે યોગ્ય સર્વિસ ન આપવી, સોના-ચાંદીના દાગીનાના હોલમાર્કમાં છેતરામણી, લોભામણી અને ભ્રામક જાહેરાતો દ્વારા છેતરામણીનો ભોગ બનેલા ગ્રાહકો ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં જઇ મદદ માગી શકે છે. અગાઉ સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ કાર્યરત ફોરમમાં છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકોને 20 લાખ રૂપિયા સુધીનું વળતર મળી શકતું હતું.
નવા કાયદા મુજબ 1 કરોડ સુધીના દાવાઓનું વળતર ગ્રાહકોને જિલ્લા કક્ષાએથી જ મળી રહેશે
હવે નવા કાયદા મુજબ 1 કરોડ સુધીના દાવાઓનું વળતર ગ્રાહકોને જિલ્લા કક્ષાએથી જ મળી રહેશે. જેથી ગ્રાહકોને ફાયદો થશે. આવા જાગૃત ગ્રાહક મંડળ અને ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા અનેક ગ્રાહકોને વળતર આપવામાં આવ્યા છે. કેટલાક કિસ્સાઓમાં જે તે ઉત્પાદકો સામે પગલાં પણ ભરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગ્રાહક સુરક્ષા કાયદાથી લોકોને થયેલા ફાયદા
વર્ષ 2021માં 17 માર્ચ સુધીમાં 14 ફરિયાદોમાંથી 9 કેસોમાં નિરાકરણ
છેતરાયેલા ગ્રાહકોને વિનામૂલ્યે માર્ગદર્શન આપી સમાધાન ન થાય તો ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં તેઓના કેસો પણ દાખલ કરાવે છે. આ ગ્રાહક મંડળ દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકના પ્રથમ આધાર પુરાવાઓ તપાસીને અરજીઓ લેવામાં આવે છે. ત્યારબાદ ગ્રાહક અને ઉત્પાદક કે વેપારી વચ્ચે બેઠક કરીને સમાધાનથી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો સમાધાન ન થાય તો 3 લીગલ નોટિસ આપવામાં આવે છે અને જવાબ ન મળે તો ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં વળતર માટેનો દાવો દાખલ કરવામાં આવે છે. પાટણમાં કાર્યરત જાગૃત ગ્રાહક મંડળમાં મહિનાના 30થી વધુ કેસો આવે છે. જેમાં મોટાભાગના કેસો સમાધાનથી ઉકેલાય છે. વર્ષ 2020માં 42 ફરિયાદોમાંથી 11 કેસોના સમાધાન થયા છે. જ્યારે વર્ષ 2021માં 17 માર્ચ સુધીમાં 14 ફરિયાદોમાંથી 9 કેસોમાં નિરાકરણ આવેલું છે.
પાટણમાં ગ્રાહક મંડળે ખાનગી લેબોરેટરીના સંચાલકને પૂરેપૂરા રૂપિયા 17,146 પરત અપાવ્યા
પાટણમાં કાર્યરત જાગૃત ગ્રાહક મંડળ દ્વારા તાજેતરમાં જ પાટણના રળિયાત ચેમ્બર્સમાં ખાનગી લેબોરેટરીના સંચાલક છેતરપિંડીનો ભોગ બનતાં તેઓના પૂરેપૂરા રૂપિયા 17,146 પરત અપાવ્યા છે. આ કિસ્સામાં લેબોરેટરીના સંચાલક ડૉકટર મુકેશ ઓઝાએ ઉદેપુરની રેડીસન બ્લ્યુ હોટલના રિસોર્ટમાં make my trip વેબસાઈટ પર 3 રૂમો બુકિંગ કરવી હતી, પરંતુ રૂબરૂ જઈ જોતા રૂમો સુવિધાપૂર્ણ નહીં લાગતાં કેન્સલ કરાવ્યા હતા. જેથી make my tripએ એક અઠવાડિયામાં તે રૂપિયા પરત આપવાની ખાતરી આપી હતી, પરંતુ નિયત સમય ઉપર 20 દિવસ વિતવા છતાં રૂપિયા પરત ન આવતાં ડોક્ટરે આ ગ્રાહક મંડળનો સંપર્ક 16 જાન્યુઆરી 2021ના રોજ કર્યો હતો. તેઓ દ્વારા કંપનીને ઈમેલ કરી લીગલ કાર્યવાહી કરવાનું જણાવતાં કંપની દ્વારા 3 ફેબ્રુઆરી 2021ના રોજ લેબોરેટરીના સંચાલકને 17,146નું વળતર પરત કર્યું હતું.