- કોલેજોમા અભ્યાસ થયો શરૂ
- પ્રથમ દિવસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહ્યાં હાજર
- વિદ્યાર્થીઓની ચહલપહલથી કોલેજ કેમ્પસ ધમધમી ઊઠ્યું
- લાંબા સમય બાદ વર્ગખંડોમાં વિદ્યાર્થીઓએ કર્યોં અભ્યાસ
પાટણઃ સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા અગાઉ ધોરણ-10 અને 12ના વર્ગખંડો શરૂ કરવાની શાળાઓને મંજૂરી આપી હતી. ત્યાર બાદ ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં હતા. જેથી હાલમાં શાળાના શૈક્ષણિક સંકુલોમાં વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સરકારે છેલ્લા એક વર્ષથી બંધ પડેલી કોલેજોમા વર્ગો શરૂ કરવા કોલેજોને સૂચનાઓ આપતા સોમવારે પાટણ શહેર સહિત જિલ્લામાં કોલેજોના વર્ગખંડોમાં અભ્યાસ શરૂ થયા છે.
વિદ્યાર્થીઓને કોલેજ પરિવાર દ્વારા આવકારવામાં આવ્યાં
પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સંચાલિત પી. કે. કોટાવાલા આર્ટસ કોલેજમાં બીએ સેમેસ્ટર 1, સેમેસ્ટર 4 અને સેમીસ્ટર 6 ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર કોલેજમાં આવતા કોલેજ પરિવાર દ્વારા તેઓને આવકારવામાં આવ્યાં હતા. એક વર્ષના લાંબા સમયગાળા બાદ વિદ્યાર્થીઓએ કોલેજના વર્ગખંડમાં અભ્યાસ કર્યો હતો. કોલેજમાં કોરોના સંક્રમણ ન ફેલાઈ તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરાઈ છે. તો સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ પણ લાંબા સમયગાળા બાદ લેબોરેટરીમાં જઈ અધ્યાપકો સાથે પ્રત્યક્ષ અભ્યાસ કર્યો હતો.
ઓફલાઇન વર્ગોથી મુંઝવતા પ્રશ્નોનું થશે નિરાકરણ
કોલેજના વર્ગખંડો શરૂ થતા વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બાર મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ હતું, ત્યારે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું, પરંતુ તેમાં અધ્યાપકો સાથે રૂબરૂ અભ્યાસ અંગેની ચર્ચાઓ થઈ શકતી ન હતી. નેટવર્કની પણ સમસ્યાઓ ઉભી થતી હતી, જેના કારણે માનસિક તણાવ અનુભવતા હતા અને અમુક પ્રશ્નોમાં વિસંગતતા ઉભી થતી હતી, ત્યારે હવે વર્ગખંડો શરૂ થતાં અધ્યાપકોની હાજરીમાં અભ્યાસક્રમ ચાલશે જેનાથી મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ મેળવી શકાશે.
વિદ્યાર્થીઓમાં જોવા મળી ખુશી
પાટણ શહેર સહિત જિલ્લામાં મહિનાઓથી બંધ રહેલું શૈક્ષણિક કાર્ય હવે તબક્કાવાર શરૂ થઈ રહ્યું છે. અગાઉ ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ થયા બાદ સોમવારથી કોલેજના વર્ગો પણ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.