પાટણ : ચાણસ્મા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના વર્તમાન પ્રમુખ ગેમરભાઈ દેસાઈ વિરુદ્ધ તાલુકા પંચાયતના કોંગ્રેસના અસંતુષ્ટ, ભાજપના તથા અપક્ષના સભ્યોએ વિકાસ ગ્રાન્ટ ફાળવણીમાં વહાલાં દવલાંની નીતિ તેમજ ભ્રષ્ટચારની આશંકાઓને લઈને અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે. આખરે ભાજપે તાલુકા પંચાયત તોડવાનો તખ્તો તૈયાર કર્યો છે.
આંકડાની વાત કરવામાં આવે તો કુલ ૧૮ સભ્યોમાંથી કોંગ્રેસના 14, 2 ભાજપના અને 2 અપક્ષના હતા, ત્યારે હાલમાં કોંગ્રેસના 9 અને ભાજપના 9 સભ્યો થયા છે અને કોંગ્રેસના 9 સભ્યોમાંથી પણ ત્રણ સભ્યોએ પ્રમુખને હટાવવા ભાજપને સમર્થન આપ્યું છે. જેથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાટણના જુના સરકીટ હાઉસ ખાતેની પત્રકાર પરિષદમાં તમામ સભ્યોએ પ્રમુખને હટાવી ભાજ્પ પ્રેરિત તાલુકા પંચાયત બનાવવાનો નિર્ણય કર્યો છે.
ચાણસ્મા તાલુકા પંચાયત લોકહિતના કાર્યો કરવામાં ક્યાંક ઉણી ઉતરી હોય તેવો માહોલ ઉભો થયો છે અને હાલમાં કોંગ્રેસ પાર્ટી તાલુકા પંચાયત સીટ ગુમાવે તેવી સ્થિતિ ઊભી સર્જાઇ છે.