- કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરે કોરોના વેક્સિન લીધી
- તમામ લોકોએ કોરોના વેક્સિન લેવી, કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર
- કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવી
પાટણઃ વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસને નાથવા સમગ્ર દેશમાં રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કર્સ અને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને રસીકરણ બાદ હાલમાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા 45થી 60 વર્ષના કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવી રહી છે, ત્યારે સોમવારના રોજ હારીજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરે કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
દરેક નાગરિકોને રસી લેવા કેબિનેટ પ્રધાને કર્યો અનુરોધ
કોરોના વાઇરસ પ્રતિરોધક રસીનો ડોઝ લીધા બાદ દિલીપ ઠાકોરે જણાવ્યું કે, કોરોના મહામારી સામે બાથ ભીડવા દેશના વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી સ્વદેશી રસીનો ભારત ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપણા જિલ્લામાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત મેં પણ આજે આ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. રસી સંપૂર્ણ સલામત હોવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરે ઉમેર્યું કે, મને રસી લીધા બાદ કોઈ આડઅસર થઈ નથી. કોઈપણ જાતનો ડર રાખ્યા વગર તમામ લોકોએ આ રસી લેવી જોઈએ.