- ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષએ પાટણની મુલાકાત લીધી
- APMC માર્કેટ ખાતે બૃહદ કારોબારીની બેઠક યોજાઇ
- સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી વધુમાં વધુ પહોંચાડવા કર્યો અનુરોધ
પાટણ: જિલ્લાની મુલાકાતે આવેલા ઉદય કાનગડ (uday kangadh)ની અધ્યક્ષતામાં પાટણ APMC માર્કેટના હોલ ખાતે બૃહદ કારોબારીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ સમાજના આગેવાનોએ તેમનું ફુલહાર પુષ્પ ગુચ્છ પાઘડીથી સન્માન કર્યું હતુ. આ બેઠકને સંબોધતા તેઓએ જણાવ્યું હતુ કે, બક્ષીપંચ સમાજની ગુજરાતમાં 54 ટકા વસ્તી છે. ભાજપ દરેક સમાજને સાથે લઈને ચાલે છે. ત્યારે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં બક્ષીપંચ સમાજ જે પક્ષના પડખે ઉભો રહેશે. તે પક્ષનો વિજય નિશ્ચિત છે.
કેન્દ્ર સરકારમાં 43 પ્રધાનોમાંથી 27 પ્રધાનો બક્ષીપંચ સમાજના
આ સમાજને કેટલાક લોકો છુટો-છવાયો ગણે છે પણ પરચુરણ ભેગી થાય ત્યારે 2,000ની નોટ બને છે. આપણે પણ એ જ રીતે ભેગા થઈ ભાજપને વિજયી બનાવવાનું છે. કેન્દ્ર સરકારમાં 43 પ્રધાનોમાંથી 27 પ્રધાનો બક્ષીપંચ સમાજના છે. અગાઉની કોઈ સરકારોએ બક્ષીપંચ સમાજના ચૂંટાયેલા સાંસદોને આટલું મહત્વ આપ્યું ન હતું. જ્યારે બક્ષીપંચ સમાજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમાજનું મહત્વ સમજયું છે. મેડિકલ-પેરામેડિકલ, ગ્રેજ્યુએટ ડેન્ટિસ્ટમાં 27 ટકા અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય પણ મોદી સરકારે કર્યો છે. ત્યારે આપણી ફરજ બને છે કે સંગઠિત બની ગુજરાતમાં ફરી BJP સરકાર લાવીએ.
આ પણ વાંચો: ટંકારામાં બાયો ડીઝલના જથ્થા સાથે ભાજપ અગ્રણી સહિત ચાર ઝડપાયા
પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષએ માતા અને પદ્મનાથ ભગવાનના કર્યા દર્શન
પાટણની મુલાકાતે આવેલા બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનગડે સલવીવાડા વિસ્તારમાં આવેલા લીંબચ માતાની પોળમાં આદ્યશક્તિ માં લીંબચના દર્શન કર્યા હતા. ત્યારે સમાજના આગેવાનોએ તેમનું સામૈયું કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે પદ્મનાથ ભગવાન અને નગરદેવી શ્રી કાલિકા માતાના દર્શન કર્યા હતા.
આ પણ વાંચો: ભાજપની ચિંતા અને કોંગ્રેસના ચિંતન વચ્ચે 'આપ' મારશે બાજી !