પાટણ : આસો સુદ ચૌદશની રાત્રીએ સિદ્ધપુર તાલુકાનું બિલીયા ગામ દીવડાઓની જ્યોતથી ઝળહળી ઉઠ્યું હતું. વેરાઈ માતાના પ્રાંગણમાં બાધા અને માનતાની માંડવી કાઢવામાં આવતા અલૌકિક વાતાવરણ સર્જાયું હતું. માંડવીના દર્શન માટે સિધ્ધપુર પંથક સહિત અન્ય શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. જેને લઈને બિલીયા ગામમાં માનવ મહેરામણ ઉભરાયું હતું.
બિલીયા ગામનો માંડવી ઉત્સવ : સિદ્ધપુર તાલુકાના બિલીયા ગામમાં વેરાઈ માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. જે ગામ લોકો માટે આસ્થાનું પ્રતિક બન્યું છે. વર્ષોની પરંપરા મુજબ ગામમાં વસતા તમામ સમાજના પ્રત્યેક પરિવારના ઘરે પ્રથમ બાળક જન્મે એટલે તેની ખુશીમાં આસો મહિનામાં દશેરાથી માતાજીના ગરબા કાઢવામાં આવે છે.
વર્ષો જૂની પરંપરા : વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ દશેરાના દિવસથી ગામમાં માતાજીની માનતાના 250 થી વધુ ગરબા કાઢવામાં આવ્યા હતા. ગામની મહિલાઓએ દરરોજ માતાજીના સન્મુખ ગરબા માથા પર ગુમાવી આરાધના કરી હતી. ચૌદશની રાત્રીએ ગામના દરેક સમાજના લોકો પોતપોતાની માંડવી વેરાઈ માતાના ચોકમાં લઈને આવ્યા હતા. 30 હજાર ઉપરાંત દીવડાંઓથી પ્રજ્વલિત વાંસની 250 થી વધુ ગરબાની માંડવીઓ એક સાથે ગામના ચોકમાં આવતા અલૌકિક વાતાવરણ સર્જાયું હતું.
નયનરમ્ય નજારો : જગમગતા દીવડાની માંડવીઓ માથે લઈ મહિલાઓ ગરબે ઘુમતા ચાચર ચોક ઝળહળી ઊઠ્યો હતો. જાણે આકાશ ગંગા ગામમાં ઉતરી હોય તેવો નયનરમ્ય નજારો સર્જાયો હતો. બાદમાં શુભ મુહૂર્તમાં પુરૂષોએ માતાજીની માંડવીઓને મસ્તક ઉપર ધારણ કરી ગામના પાદરમાં મૂકી માતાનું નૈવેદ કરી વર્ષોની પરંપરા પૂર્ણ કરી હતી.
વિશેષ ગરબા મહોત્સવ : બિલીયા ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે, ગામમાં વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે 5 દિવસનો ગરબા મહોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં દરેક સમાજના લોકો કોઈપણ જાતના ભેદભાવ વગર સાથે મળીને ગરબા મહોત્સવ ઉજવે છે. માતાજીના આશીર્વાદથી દર વર્ષે ગામમાં ગરબાઓની સંખ્યા વધતી જાય છે.
માનવ મહેરામણ ઉમટ્યું : ટમટમતા દીવાઓની જ્યોતથી પ્રજ્વલિત થયેલ વાતાવરણનો નજારો જોવા અને માંડવી ગરબાના દર્શન માટે બિલીયા ગામમાં સિદ્ધપુર પંથક ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.