- પાટણમાં હેમચંદ્રાચાર્યની 932 મી જન્મ જયંતી નિમિત્તે યોજાયું પ્રદર્શન
- જૈન જ્ઞાન ભંડાર ખાતે પ્રથમવાર યોજાયું પ્રદર્શન
- હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ પાટણ રહી હતી
- આચાર્યએ સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથની કરી હતી રચના
પાટણઃ ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનો જન્મ વિક્રમ સંવત 1145માં કારતક સુદ પૂનમના દિવસે ધંધુકા મુકામે થયો હતો. જન્મના સમયે તેમના માતાપિતાએ તેમનું નામ ચાંગદેવ રાખ્યું હતું. પાંચ વર્ષની ઉંમરે એમના ગુરુ આચાર્ય દેવસુરીએ ખંભાતમાં તેઓને દીક્ષા આપી સોમચંદ્ર મુની નામ આપ્યું ત્યાર બાદ યોગ્યતા પ્રાપ્ત થતા વિક્રમ સંવત 1166માં તેમને સુરી પદ આપવામાં આવ્યું અને હેમચંદ્ર સુરી નામથી તેઓએ ખ્યાતિ મેળવી.આચાર્ય હેમચંદ્રનો જન્મ ભલે ધંધુકામાં થયો પણ તેમની પાટણને કર્મભૂમિ પાટણ રહેલી રાજા સિદ્ધરાજની વિનંતિથી તેમણે સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથની રચના કરી તેઓ ગુજરાતના જ નહીં પણ સમગ્ર ભારતના સાહિત્ય આચાર્ય તરીકે અદ્વિતીય સ્થાન પામ્યા અને વિદ્યા તથા સાહિત્ય ક્ષેત્રે ભારતભૂમિને અગ્રેસર કરવામાં મોટો ફાળો આપ્યો હતો.
આચાર્યએ વ્યાકરણ ગ્રંથો કોશગ્રંથો અને અલંકારશાસ્ત્રની કરી હતી રચના
આજની યુવા પેઢી સાહિત્ય અને હસ્તપ્રતોની જાણકારી મેળવી શકે તે માટે યોજાયું પ્રદર્શન
પાટણ વાસીઓએ અલભ્ય હસ્તપ્રતો નિહાળ્યા
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ અભિધાન ચિંતામણી, અનેકાર્થ સંગ્રહ, નિઘંટુકોષ, દેશી નામવાળા જેવા શબ્દકોશોની રચના કરી હતી. કાવ્યાનુશાસન જેવા અલંકાર ગ્રંથ, છંદોનુંશાસન જેવા છંદશાસ્ત્ર, પ્રમાણમીમાંસા, વેદાંકુશ જેવા દર્શન ગ્રંથો અને દ્વયાશ્રય સંસ્કૃત અને પ્રાકૃત જેવા ઇતિહાસ કાવ્યો જેવા પુરાણા કાવ્યો, સહિત સમગ્ર સાહિત્ય ગ્રંથો અને પ્રાચીન હસ્તપ્રતોની રચના કરી હતી, ત્યારે આજની યુવા પેઢી આ હસ્તપ્રતો અને સાહિત્ય ગ્રંથો વિશે જાણકારી મેળવી શકે તે માટે જૈન જ્ઞાન ભંડાર દ્વારા સૌપ્રથમવાર આ હસ્તપ્રતોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં જૈન સમાજ ઉપરાંત પાટણના નગરજનોએ પણ આ અલભ્ય હસ્તપ્રતોને નિહાળ્યા હતા.
ઐતિહાસિક વિરાસત અને દસ્તાવેજો પ્રદર્શનમાં મુકાયા
હેમચંદ્રચાર્ય જ્ઞાન ભંડાર દ્વારા પાટણમાં પ્રથમવાર પ્રાચીન ગ્રંથો હસ્તપ્રતો અને પાટણની ઐતિહાસિક વિરાસતોના પુરાવારૂપ દસ્તાવેજોનું જાહેર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેને નિહાળી આજની યુવાપેઢી પણ અભિભૂત બની હતી.
યુવાપેઢી પણ પ્રદર્શન નિહાળી બની અભિભૂત
પાટણ શહેરના યુવાનો પ્રાચીન ગ્રંથો નિહાળી તેમાંથી બોધપાઠ ગ્રહણ કરે અને ભવ્ય સાંસ્કૃતિક વારસાથી ઓગસ્ટ બને તે માટે હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.