પાટણઃ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહના પ્રારંભમાં કેબિનેટ પ્રધાને તિરંગો લહેરાવી સલામી આપી હતી. ત્યારબાદ કોરોનાની મહામારીમાં પાટણ શહેરમાં કોરોના વોરિયર્સ તરીકે વિશિષ્ટ કામગીરી કરનારા પાટણના સેવાભાવી કાર્યકર ગોરધનભાઈ ઠક્કર કે જેમણે લોકડાઉન દરમિયાન 10 હજાર જેટલા જરૂરીયાતમંદ પરિવારોને દરરોજ બે ટાઈમ ભોજન અને ત્યારબાદ રાશનકીટનું વિતરણ કર્યું હતું તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રામ-રહીમ અન્નક્ષેત્રે પણ હોસ્પિટલોમાં દર્દીઓ અને જરૂરિયાતમંદોને ભોજન વ્યવસ્થા પુરી પાડી હતી, તે બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરોગ્ય, પોલીસ અને મહેસુલ તંત્રના અધિકારી કર્મચારીઓનું પણ કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા રમતવીરોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરે જણાવ્યું કે, ગુજરાતના સપૂત અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળી છે ત્યારથી દેશના વિકાસની ગતિને બમણાં વેગથી આગળ વધારી છે. રામ મંદિરના વર્ષો જૂના પ્રશ્નનનો ઉકેલ લાવ્યા છે. તો કોરોનાની વૈશ્વિક મહામારીમાં વડાપ્રધાને લીધેલા લોકડાઉનના પગલાને દુનિયાના લોકોએ બિરદાવ્યું છે. લોકડાઉન બાદ દેશના વિકાસને આગળ ધપાવવા 20 લાખ કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, આપત્તિને અવસરમાં બદલવાની ગુજરાતીઓની આગવી ઓળખ છે. કોરોના સામેની લડાઈ લાંબી ચાલી શકે તેમ છે. એટલા માટે રાજ્ય સરકાર રોજે-રોજ અસરકારક નિર્ણયો લઇ પ્રજાની સાથે ઊભી રહી છે. દરેક વ્યક્તિએ માસ્ક ફરજિયાત પહેરવું અને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. ધ્વજવંદન બાદ કેબિનેટ પ્રધાનના હસ્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.