પાટણ: વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગના કારણે ઉદભવી રહેલી કુદરતી આફતો સામે રક્ષણ મેળવવા વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું અનિવાર્ય છે. ત્યારે પાટણ જિલ્લામાં પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે તે માટે પાટણ જિલ્લા વન વિભાગ દ્વારા વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાના હેતુથી જિલ્લાની 11 નર્સરીઓમાં 20.15 લાખના 100 જાતના વિવિધ રોપા તૈયાર કરવામાં આવ્યા છે. આ રોપાઓનું વિતરણ પણ વિવિધ નર્સરીઓમાં શરૂ કરવામાં આવ્યું છે.
પાંચ લાખથી વધુ રોપાનું વિતરણ: વિવિધ નર્સરીઓમાંથી લીમડો, આમળા, અરડૂશો,સાદ આસોપાલવ, અરીઠા, બદામ, બહેડા, બંગાળી બાવળ બીલી, બોરડી, બોરસલી, ચંદન, દાડમ, દેશી બાવળ, આમલી, ખીજડો, મહુડો, નીલગીરી, ચંદન પીપળ, રાયણ, સાગ, વડ, વાસ,તુલસી સહિતના અન્ય આયુર્વેદિક વૃક્ષોના રોપાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે અને આગામી ઓગસ્ટ મહિના સુધી દરેક નર્સરીઓ પરથી લોકોને રોપાવો મળી રહે તેવી વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
વન વિભાગ દ્વારા નવતર અભિગમ: જિલ્લા વન અધિકારી બિંદુ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે 74મા વન મહોત્સવને લઈને વન વિભાગ દ્વારા ખાતાકીય લક્ષ્યાંક 131 હેક્ટર અને 430 વ્યક્તિલક્ષી હેક્ટર વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લાની 11 નર્સરીઓમાં 100 અલગ અલગ જાતના 20.15 લાખ રોપા તૈયાર કરવામાં આવ્યા છે અને જેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકોને નર્સરીએ સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે ચાલુ વર્ષે વન વિભાગ દ્વારા એક નવતર અભિગમ અપનાવ્યો છે. દરેક નર્સરીઓને ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે. જેના થકી આ કોડ google મેપ સ્કેન કરવાથી સીધા નર્સરીના સ્થળ સુધી પહોંચી શકાશે અને નર્સરીના કોન્ટેક નંબરોને આધારે કેટલા રોપાઓ નર્સરીમાં છે તેની પણ માહિતી લોકોને સરળતાથી મળી રહેશે.