પાટણ: જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા પાટણ તાલુકા હેલ્થ કચેરીને 10 ધન્વંતરી રથ ફાળવવામાં આવ્યાં છે. આ તમામ ધન્વંતરી રથની વાનને તાલુકા હેલ્થ કચેરી ખાતે ગોઠવવામાં આવી હતી. આ રથમાં 20 જેટલા ડોક્ટર્સ તેમજ 45 આરોગ્ય કર્મચારીઓના સ્ટાફની સર્વેલન્સની ટીમ કાર્યરત રહેશે.
વિવિધ સુવિધાઓ જેવી કે, દર્દીને તપાસવા માટેની સુવિધા, એસપીઓટુ માપવાનું સાધન, ગ્લુકોમીટરની તેમજ બીપી માપવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ ઉપરાંત આર્સેનિક 30 સંયમની વટી, ઉકાળા સહિતની દવાઓ ઉપલબ્ધ રહેશે. આ રથ પાટણ શહેરના તમામ વોર્ડ દીઠ ફાળવવામાં આવ્યા છે અને રોજ અલગ અલગ વિસ્તારોમાં જઇ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડશે.
આ રથમાં બે ડોક્ટર્સ પૈકી એક ડોક્ટર સ્થળ પર જ ઓપીડી શરૂ કરશે. તેમજ અન્ય ડૉક્ટર દ્વારા હોમઆઈસોલેશનમાં રહેલા, ડિસ્ચાર્જ થયેલા, ખાનગી ડોક્ટરે રીફર કરેલા તેમજ પોઝિટિવ દર્દીઓની હોમ વિઝીટ કરવામાં આવશે.