પંચમહાલ: જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં અસંખ્ય નાના મોટા મંદિરો આવેલા છે. જેમાં વિશેષ દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. કેટલાક મંદિરો તો પૌરાણિક લોકવાયકાઓ પણ ધરાવે છે, તો કેટલાક મંદિર મહાભારત કાળના હોવાનું પણ કહેવાય છે, ત્યારે તેના પગલે આજે વાત કરીશું પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા મહાકાળી મંદિરની.
ગોધરા શહેરના સિવિલ લાઇન્સ રોડ પર આ મંદિર આવેલું છે. લોકવાયકા પ્રમાણે મંદિરની મહાકાળી માતાની મૂર્તિ આશરે 1200 વર્ષ અગાઉ સ્વયંભૂ પ્રગટ થઈ હતી અને માતાજીના આ મંદિરમાં વર્ષો પહેલાં પાવાગઢના પતાઈ રાવળ અહીંયા આરતી કરવા આવતા હતા તેવી પણ લોકોમાં માન્યતા પ્રવર્તે છે. આસો નવરાત્રીમાં ખુબ મોટી સંખ્યામાં અહીંયા માઈ ભક્તોનો મહેરામણ ઉમટે છે.
નવરાત્રી દરમિયાન સવાર, સાંજ અને રાત્રીના 12 કલાકે મહાઆરતી એમ ત્રણ ટાઈમ માતાજીની આરતી કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન વિશેષ કહેવાતી માતાજીની નૃત્ય આરતીનું આયોજન પણ કરવામાં આવે છે. અહીં આવતા ભક્તો જણાવી રહ્યા છે કે તેઓની દરેક મનોકામના માતાજી પૂર્ણ કરે છે. ભક્તો જણાવી રહ્યા છે કે તેઓ ફક્ત એક શ્રીફળની માનતા રાખે છે અને તેઓની માનતા પણ ફળે છે. દેવ દિવાળીના દિવસે માતાજીના મંદિરે ભવ્ય અન્નકુટનું પણ આયોજન કરવામાં આવે છે. મહાકાળી માતાજીના મંદિરનો મહિમા વિશેષ રહેલો છે.