પંચમહાલઃ જિલ્લાના મોરવા હડફ ખાતે સાંસદ રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વાતંત્ર્ય સંગ્રામના વીર સેનાનાયકો બિરસા મુંડા અને ગોવિંદગુરૂને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પરંપરાગત વેશભૂષામાં સજ્જ આદિવાસી સમાજ દ્વારા વાજિંત્રોના તાલે નૃત્યો કરી આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં મોરવા હડફની કે.એસ. હાઈસ્કૂલ ખાતે યોજાયેલી ઉજવણીમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. તદ્પરાંત મુખ્ય પ્રધાનના શુભેચ્છા સંબોધનનું પ્રસારણ અને આદિજાતિ સંસ્કૃતિના વિકાસ માટેની એક લઘુ દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોનું આદિવાસી રીતરિવાજ અનુસાર આદિવાસી કોટી, તીર કામઠું અને વારલી પેઇન્ટિંગ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ નિમિત્તે જિલ્લાના ઉચ્ચ શૈક્ષણિક સિધ્ધિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ, રમત-ગમત ક્ષેત્રે પ્રશંસનીય પ્રદર્શન કરનારા ખેલાડીઓ તેમજ વિવિધ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય, આદિજાતિ મોરચાના પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના લોકપ્રતિનિધિઓ, આદિવાસી સમાજના અગ્રણીઓ, આદિજાતિ વિકાસ પ્રાયોજના વહીવટદાર ડેપ્યુટી કમિશ્નર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.