- અનોખો વિદાય સમારંભ
- કચેરીના સેવક વયનિવૃત થતા
- અધિક નિવાસી કલેક્ટર (Additional Resident Collector )એ આપી સંવેદનાસભર વિદાય
પંચમહાલ : ગોધરા જિલ્લા સેવા સદન ખાતે એક અનોખો વિદાય સમારંભ યોજાયો હતો. કલેક્ટર કચેરીના સેવક ધૂળાભાઈ વણકર વયનિવૃત થતા તેમના કાર્યકાળના અંતિમ દિવસે નિવાસી અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયાએ તેમને પોતાની ચેમ્બરમાં પોતાની ખુરશી પર બેસાડી સન્માન્યા હતા. તો આ સાથે જ પોતાની ગાડીમાં ઘરે મુકવા પણ ગયા હતા.
રેવન્યુ ડિપાર્ટમેન્ટ બહોળો જનસંપર્ક ધરાવતો વિભાગ
નિવાસી અધિક કલેક્ટરે આ પ્રસંગે ધૂળાભાઈની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જનસેવા અર્થે કલેક્ટર કચેરી સતત ધમધમે છે તેમાં આવા કર્મઠ કર્મચારીઓની અવિરત સેવાનો ફાળો ખૂબ મોટો છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ બહોળો જનસંપર્ક ધરાવતો વિભાગ છે ત્યારે સતત આવતા મુલાકાતીઓ-અરજદારો, અધિકારીઓ-પદાધિકારીઓને માનપૂર્વક સંભાળવા-સાચવવા કુનેહ અને શ્રમનું કામ છે અને ધૂળાભાઈએ આર.એ.સી. ઓફિસના પ્યુન તરીકે આ ફરજ 21 વર્ષો સુધી બજાવી છે.
આ પણ વાંચો : Etv Bharat Exclusive Interview: આણંદમાં નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી સાથે ખાસ વાતચીત
11 નિવાસી અધિક કલેક્ટરના પ્યુન તરીકે ફરજ બજાવી
તેમણે વધુમાં જણાવ્યું કે, 36 વર્ષની તેમની સુદીર્ઘ કારકિર્દીમાં તેમણે અત્યાર સુધી 11 નિવાસી અધિક કલેક્ટરના પ્યુન તરીકે ફરજ બજાવી છે. જોકે કચેરીના કર્મચારી તરીકે તેમના અંતિમ દિવસને અધિકારીઓ-કર્મચારીઓએ યાદગાર બનાવી દીધો હતો. સન્માનના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટરએ તેમને પોતાની ગાડીમાં ઘરે જવા રવાના કરી નિવૃત જીવનની શુભેચ્છાઓ સાથે વિદાય આપી હતી. ધૂળાભાઈ પણ આ અનોખી વિદાયથી ભાવવિભોર થઈ ગયા હતા.
આ પણ વાંચો : આશ્ચર્ય ! : આ કેરીની સુરક્ષા માટે રાખવામાં આવી 'Z Plus' સિક્યુરિટી