પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના હારેડા ગામેથી પંચમહાલ SOG પોલીસ અને કાંકણપુર પોલીસ દ્વારા નકલી નોટો લઈને જતા 3 આરોપીઓને બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી કુલ રૂ. 3.69 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઈ હતી. ઝડપાયેલા આરોપીઓ 45 ટકા જેટલું કમિશન મેળવીને નકલી નોટોને અંતરિયાળ ગામોમાં પહોંચડતા હતા.
ઝડપાયેલા આરોપીઓ નકલી નોટો કોની પાસેથી લાવે છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન નકલી નોટો આપવા તેમજ અગાઉ આપેલા નકલી નાણાની સામે અસલ ચલણી નોટો લેવા માટે આ સમગ્ર ઘટનાનો મુખ્ય સુત્રધાર નંદકિશોર ઠાકુર ટ્રેન મારફતે કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે આવવાનો છે તેવી માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીના વર્ણન ધરાવતા ઇસમને ઝડપી પાડી તેની ઝડતી કરતા તેની પાસેથી વધુ 24 હજારની નકલી ચલણી નોટો મળી આવી હતી.
ઈસમ બિહાર રાજ્યના ગોપાલગંજના સિગહા ગામનો રહેવાસી છે. હાલ પોલીસ દ્વારા આ નંદકિશોર ઠાકુર નકલી નોટો ક્યાં છાપતો હતો અથવા તો ક્યાંથી લાવતો હતો તે દિશામાં વધુ તપાસ કરવા માટે ઝડપાયેલા ઇસમના 4 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. ત્યારે આગામી સમયમાં નકલી નોટોની હેરાફેરી કરી અર્થતંત્રને ખોખલું કરવાના આંતરરાજ્ય કૌભાંડ પરથી પડદો ઉંચકાવાની પુરેપુરી શક્યતા રહેલી છે.